ગીર પંથકમાં સિંહ પરિવારની અવરજવર હવે સામાન્ય બની ગઈ છે. વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના આંટાફેરા અને શિકારના બનાવો સતત સામે આવી રહ્યા છે. રાત્રિના સમયે ઝુડવડલી ગામમાં એક સિંહણે ગાયનું મારણ કરી મિજબાની માણી હતી, જ્યારે બીજી તરફ ખાપટ ગામ નજીક ચાર સિંહો વરસાદી માહોલમાં રસ્તા પર શાહી લટાર મારતા જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઝુડવડલી ગામમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે એક સિંહણ શિકારની શોધમાં ગામની પ્રાથમિક શાળા પાછળ આવેલા હનુમાન મંદિર નજીક પહોંચી હતી. અહીં સિંહણે ગાયનું મારણ કરી શિકારનો આનંદ માણ્યો હતો. સિંહણની હાજરીની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં કુતૂહલ સાથે ચકચાર મચી હતી.
બીજી તરફ ખાપટ ગામ નજીક પણ રાત્રે ચાર સિંહો રસ્તા પર આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. વરસાદી માહોલમાં સિંહો નિર્ભય બની રસ્તા પર લટાર મારતા જોવા મળતાં પસાર થતા વાહનચાલકોમાં પણઆશ્ચર્ય ફેલાયું હતું. આ સમગ્ર દૃશ્ય એક કારચાલકે પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધું હતું. સિંહોના આંટા ફેરાનો વીડિયો હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચોમાસાની ઋતુમાં વરસાદ બાદ ગીર પંથકમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે. જેના કારણે સિંહોઅનેઅન્ય વન્યજીવો ઘણી વખત મચ્છરોના ઉપદ્રવથી બચવા ખુલ્લા અને રોડ જેવા વિસ્તારોમાં જોવા મળતા હોય છે. ગીર વિસ્તારને અડીને આવેલા ગામોમાં સિંહોની અવરજવર હવે ગ્રામજનો માટે નવી વાત રહી નથી.
એક જ રાત્રે ઝુડવડલીમાં સિંહણ દ્વારા ગાયનું મારણ અને ખાપટ નજીક ચાર સિંહોની લટારના બનાવો સામે આવતા ગીર પંથકમાં સિંહોની વધતી અવરજવર ફરી ચર્ચામાં આવી છે. વન વિભાગ દ્વારા પણ આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી ગ્રામજનોને સિંહોથી અંતર જાળવવા અને વન્યજીવોને પરેશાન ન કરવા અપીલ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
