સૌરાષ્ટ્રમાં સિંહનો વસવાટ હવે માત્ર ગીર પૂરતો સીમિત રહ્યો નથી, ત્યારે ગોંડલ પંથકમાં પણ સિંહના આંટાફેરા વધતા લોકોમાં ફયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ગોંડલના કંટોલિયા ગામે સિંહે ધામા નાખ્યા હતા અને પશુનું મારણ કરતા ચકચાર મચી ગઈ છે.
કંટોલિયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે સિંહ ત્રાટક્યો હતો. ગામના પશુપાલક હીરાભાઈ બાવાભાઈ ભરવાડ (ઠૂંગા) ના વાડામાં સિંહે હુમલો કર્યો હતો. સિંહે વાડામાં બાંધેલી એક વાછરડીનું મારણ કર્યું હતું. આ હુમલા દરમિયાન અન્ય બે પાડીને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
ગામની વચ્ચોવચ બસ સ્ટેન્ડ પાસે જ સિંહે શિકાર કરતા ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સીમ વિસ્તારમાં જતા ખેડૂતો પણ હવે ખેતરે જતાં ડરી રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ ગોંડલ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફોરેસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હાલ કંટોલિયા ગામ અને આસપાસના વિસ્તારમાં સિંહનું લોકેશન ટ્રેક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે સીમમાં ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
