50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડ

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા,…

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા, વરસાદથી પડેલા ખાડાઓ બૂરવા સહિતની સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં માર્ગ સલામતિ, નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી, ગેરકાયદે મીડિયન કટ બંધ કરવા તેમજ ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ સુધારવા અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

શહેરમાં ટ્રાફિક નિયમભંગ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, 50થી વધુ ઈ-ચલણ પેન્ડિંગ હોય તેવા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત 228 લોકોને નોટિસ જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ખરાઈ કરીને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અનઅધિકૃત વ્હાઈટ એલ.ઈ.ડી. લાઈટ અંગે 643 કેસ કરીને રૂૂ. 6,43,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા 36 લાઈટ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા જૂન માસમાં વિશેષ ડ્રાઈવ યોજી, કાળા કાચવાળા વાહનો સંબંધિત 1586, નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત 1042 મળીને કુલ 2,628 કેસો કરી, 12 વાહનો ડિટેઈન કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જુલાઈ માસમાં કાળા કાચ સંબંધિત 517 કેસ તથા નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત 838 મળીને કુલ 1355 કેસો કરવામાં આવ્યા છે.

આ તકે પોલીસ કમિશનર આ પ્રકારની ડ્રાઈવ આગામી દિવસોમાં વધુ કડક રીતે ચાલુ રાખવા સૂચના આપી હતી. શહેરમાં ચાર રસ્તાઓ પર જ્યાં મોટા સર્કલો આવેલા છે, તેને રિ-ડિઝાઈન કરીને લેફ્ટ સાઈડ ખુલ્લી રહે તેવું આયોજન કરવા સૂચના આપી હતી.

શહેરમાં રોડ રસ્તા પર ભિક્ષાવૃતિ કરીને ટ્રાફિકમાં અવરોધરૂૂપ થતા 33 બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત 06 બાળકોને રેસ્ક્યૂ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી બાલાશ્રમમાં મુકવામાં આવ્યા છે.
આ તકે ચોમાસામાં હાઈવે તેમજ રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવા ખાડાઓ બૂરવા અંગે સૂચના આપવામાં આવી હતી.

ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહીની વિગતો રજૂ કરાઈ હતી કે, વર્ષ 2026માં જાન્યુઆરીથી જૂન સુધીમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી હેઠળ કુલ 89,962 કેસો નોંધી કુલ રૂૂ. 3,42,77,200નો દંડ એકત્ર કરવામાં આવ્યો છે. 49,465 ઈ-ચલણ જારી કરાયા છે. કાળા કાચ ધરાવતા વાહનો સામે 3,321 કેસ કરીને રૂૂ. 16,60,500નો દંડ વસૂલ કરાયો છે. બેઠકમાં રાજકોટ-મોરબી સ્ટેટ હાઈ-વે પર બાકી રહેલા 16 ગેરકાયદે મીડિયન ગેપ બંધ કરવા અંગે ચર્ચા થઈ હતી. જેમાં આ બધા ગેપને તાત્કાલિક બંધ કરવા તથા મીડિયન ગેપ તોડી પાડનારા જવાબદારો સામે એફ.આઈ.આર. દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ-કાલાવડ રોડ પર મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, આર.ટી.ઓ. આઈ.એસ. ટાંક તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હેલ્મેટ નહીં પહેરનાર 1731 ચાલકોને રૂા.8.65 લાખનો દંડ
હેલ્મેટના કડક અમલીકરણ માટે યોજાયેલી વિશેષ ડ્રાઇવમાં 1,731 કેસ નોંધી રૂ. 8,65,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ ડામવા માટે ક્રેઇન અને ટોઇંગ મારફતે ફોર-વ્હીલરના 10,064 કેસ કરીને રૂ. 78,67,700 અને ટુ-વ્હીલરના 6,242 કેસ કરીને રૂ. 41,71,600નો દંડ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન એસ.ટી. વિભાગ સાથે મળીને યોજાયેલી 9 સંયુક્ત ડ્રાઇવમાં 298 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જેમાં 288 ફોર-વ્હીલર અને 10 બસનો સમાવેશ થાય છે. ટ્રાફિક શાખા દ્વારા કાયદાકીય કડક કાર્યવાહીની સાથે જાગરૂકતા લાવવાના પણ પ્રયાસો કરાયા છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક અવેરનેસના 68 કાર્યક્રમો યોજીને 8,377થી વધુ લોકોને માર્ગ સલામતિ અંગે સમજ આપવામાં આવી છે. ’કોમ્પેન્સેશન ટુ વિક્ટિમ્સ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ્સ સ્કીમ, 2022’ હેઠળ અકસ્માત પીડિતોને મદદરૂપ થવા 59 કેસમાં 61 લાભાર્થીઓને કુલ રૂ. 86 લાખની વળતર સહાય મંજૂર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *