વેરાવળ તાલુકાના નવાપરા ગામે એક કૂવામાં દીપડો ખાબક્યો હતો. આ દીપડાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી દીપડાનો જીવ બચાવ્યો છે. આ અંગે વેરાવળ રાઉન્ડના ડારી નવાપરા બીટ વિસ્તારમાં આવેલા નવાપરા ગામે બની હતી. ખેડૂત માલાભાઈ ડોડીયા ના કૂવામાં અંદાજે એકાદ વર્ષનો નર દીપડો પડી ગયો હતો, જેની જાણ થતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ખેડૂત માલાભાઈ ડોડીયા એ તાત્કાલિક વેરાવળ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગે સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી.
વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગેશ કલસરિયાએ માહિતી આપતા જણાવ્યું કે, આ અંગે ની જાણ થતાં જ વન વિભાગની ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગની ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. દીપડાની પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દોરડું બાંધી ખાટલાના સહારે ખૂબ જ સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરીને દીપડાને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ દીપડા ની પ્રાથમિક સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુ સારવાર અને દેખરેખ માટે તેને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક ની ટીમ તેની સારવાર કરી રહી છે. સારવાર બાદ ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરાશે. વન વિભાગના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, હાલ દીપડાની સ્થિતિ સ્થિર છે. જરૂૂરી સારવાર બાદ તેને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વન વિભાગની આ તાત્કાલિક કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. ગીર વિસ્તારમાં માનવ વસાહતો નજીક વન્યપ્રાણીઓ આવી ચઢવા ની ઘટનાઓ વધી રહી છે. આવા સમયે લોકો વધુ સાવચેત રહે અને આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે.
