દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 24 શખ્સોને ઝડપી લઇ, રૂા. 6.70 લાખની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 19.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા દ્વારકા વિસ્તારમાં પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી. વિભાગના એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા અને કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે નૂતન વર્ષ પૂર્વે મધ્યરાત્રિના સમયે જ દ્વારકા તાલુકાના કુરંગા ગામના ગામની સીમ વિસ્તારમાં ઘોડીપાસાની શતરંજ જેવો પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ધુતપ્રિય લોકો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ દરોડામાં પોલીસે માયા ગોપાલ ધારાણી (રહે. કુરંગા વાડી વિસ્તાર), લાખા દલુ ધારાણી (રહે. યાદવનગર પાછળ, જામનગર),સંજય હરદાસ માતકા (રહે. નરસંગ ટેકરી, દ્વારકા), સુનિલ કરસન ભાટિયા (રહે. યાદવનગર, જામનગર), સાજણ નાથા મૂન (રહે. મહાદેવનગર, જામનગર), કચરા ઉર્ફે કિશન લગધીર સંધિયા (રહે. મહાદેવનગર, જામનગર),બાબુ દેવા કનારા (રહે. ડીફેન્સ કોલોની, જામનગર), ઉમેશ નાકાભાઈ સુરાણી (રહે. સરમત પાટીયા તા.જી. જામનગર), રાજુ દેવશીભાઈ રવશી (રહે. રેતવા પાડો, દ્વારકા), પરેશ ઈશ્વરભાઈ મારુ (રહે. ખારવા ચકલા, જામનગર), રાજુ જેવા લઢેર (રહે. મહાવીર સોસાયટી, જામનગર), આસિફ ઉર્ફે ફુલવાલા ઈશા ફુલવાલા (રહે. લીંડી બજાર, જામનગર), અલ્ફેશ ઈબ્રાહીમ અમરેલીયા (રહે. બ્લોચ ઢાલની કમાન, જુનાગઢ), મયુર બુધા ટોયટા (રહે. પંચેશ્વર ટાવર રોડ, જામનગર), ફારૂૂક હુશેન ઉડીયા (રહે. રણજીત સાગર રોડ, જામનગર), કલ્પેશ દિલીપ કારીયા (રહે. જલારામ સોસાયટી, દ્વારકા), અલ્તાફ ઉર્ફે અતુડો સતારભાઇ આંબલીયા (રહે. રણજીતસાગર રોડ, જામનગર), રફીક નુર મહંમદ નુરમામદ શેખ (રહે. અલ સફા સોસાયટી, જામનગર), હનીફ ગફાર કાસ (રહે. નેશનલ સોસાયટી, જામનગર) અને આદમ હુશેન સંધાર (રહે. સરમત ગામ, તા.જી. જામનગર) નામના 24 શખ્સોને દબોચી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રૂા. 6,70,200 ની રોકડ રકમ, રૂા.96,000 ની કિંમતના 17 નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 11 લાખની કિંમતની જુદી-જુદી ચાર મોટરકાર અને રૂા. 40,000 ની કિંમતના બે મોટરસાયકલ વિગેરે મળી, કુલ રૂપિયા 19 લાખ 6 હજાર 200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
