જેતપુરમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, ટી-શર્ટ ખેંચી બહાર કાઢી માર માર્યા

જેતપુરના તીનબત્તી ચોકમાં ઓફીસ ધરાવતા વકીલ પર તેમની જ ઓફિસમાં ઘૂસીને પેઢલાના એક શખ્સે મારામારી કરી અને ભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…

જેતપુરના તીનબત્તી ચોકમાં ઓફીસ ધરાવતા વકીલ પર તેમની જ ઓફિસમાં ઘૂસીને પેઢલાના એક શખ્સે મારામારી કરી અને ભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, જેતપુર કોર્ટમાં સિવિલ અને ફોજદારી પ્રેક્ટિસ કરતા અને નવા દરવાજા પાસે રહેતા વકીલ વિક્રમભાઈ મહેશભાઈ પારધી (ઉં.વ.31)ની ફરિયાદના આધારે પેઢલા ગામના રહેવાસી ભરતભાઈ જયંતભાઈ ભટ્ટ નામના શખ્સ સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વકીલ વિક્રમભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે સવારે આશરે પોણા દસ વાગ્યાની આસપાસ વકીલ વિક્રમભાઈ તીનબત્તી ચોક, જી.ઈ.બી. ઓફિસ વાળી ગલીમાં આવેલી પોતાની ઓફિસે હાજર હતા અને સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ સમયે આરોપી ભરતભાઈ ભટ્ટ પોતાનું બ્લેક કલરનું એક્ટિવા નંબર જીજે-03-પીઈ-4582 લઈને ત્યાં આવ્યો હતો. તે ઓફિસમાં આવ્યો અને અન્ય એક વકીલની ઓફિસનું સરનામું પૂછ્યું હતું. વિક્રમભાઈએ સરનામું બતાવતા તે ત્યાંથી જતો રહ્યો હતો.

પરંતુ થોડી જ વારમાં આરોપી ભરતભાઈ કાદવ વાળા ચપ્પલ પહેરીને ફરીથી ઓફિસમાં ધસી આવ્યો હતો અને ફરીથી એ જ સરનામું પૂછવા લાગ્યો હતો. વકીલે જ્યારે કહ્યું કે “મેં તમને હમણાં જ બાજુમાં ઓફિસ હોવાનું જણાવ્યું છે”, ત્યારે આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે “તું મને ઓળખે છે હું કોણ છું?” તેમ કહી વકીલ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી શરૂૂ કરી દીધી હતી. વાત આટલેથી ન અટકતા આરોપીએ વકીલ વિક્રમભાઈ સાથે ઝપાઝપી કરી, તેમનું ટી-શર્ટ ખેંચીને તેમને ઓફિસની બહાર કાઢ્યા હતા અને જાહેરમાં બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો.

આ દરમિયાન સામે જ ઓફિસ ધરાવતા અન્ય એક વકીલ હાર્દિકભાઈ ગોંડલીયા દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને વિક્રમભાઈને વધુ માર ખાવામાંથી બચાવ્યા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી ત્યાંથી એક્ટિવા લઈને નાસી છૂટ્યો હતો. આ હુમલામાં વકીલ વિક્રમભાઈને ગળાના ભાગે તેમજ બંને હાથમાં મૂઢ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે જેતપુર સીટી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ ગીરીરાજ અશોકભાઈ વાઘેલાને તપાસ સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *