દેશના મહત્વના અને ઝડપથી વિકસી રહેલા સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. એરપોર્ટના પાર્કિંગ વિસ્તાર નજીકના મુખ્ય માર્ગ પર ગાય જેવું પશુ દોડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાએ એરપોર્ટ પરિસરમાં દેખરેખ, ફેન્સિંગ અને પશુ નિયંત્રણની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે ચર્ચા જગાવી છે. જોકે, હાલ આ ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સુરત એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ અહીં મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશ-વિદેશના મુસાફરો માટે આ એરપોર્ટ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. આવી સ્થિતિમાં એરપોર્ટ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગાય જેવું પશુ પહોંચી જવું સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને એરપોર્ટ પરિસરમાં પશુઓના પ્રવેશને રોકવા માટે કેટલ ગાર્ડ, ફેન્સિંગ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવતી હોય છે.
તેમ છતાં ગાય જેવું પશુ પાર્કિંગ વિસ્તાર સુધી કેવી રીતે પહોંચી અને મુખ્ય માર્ગ પર દોડતી જોવા મળી તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. ઘટનાએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને મોનિટરિંગ સિસ્ટમની અસરકારકતા પર પણ પ્રશ્નચિહ્ન લગાવી દીધું છે.એરપોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ભવિષ્યમાં ગંભીર અકસ્માત અથવા સુરક્ષા જોખમનું કારણ બની શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે, એરપોર્ટની અંદર રખડતા પશુઓની હાજરી માત્ર ટ્રાફિક માટે જ નહીં પરંતુ સમગ્ર એરપોર્ટ ઓપરેશન માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં લોકો પણ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
