મવડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓનો અડિંગો; કલેક્ટરને રજૂઆત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યૂ રિંગ રોડ નજીકની કિંમતી સરકારી જમીન પર ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોએ અડિંગો જમાવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સાનિધ્ય-254 ફ્લેટ…

શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યૂ રિંગ રોડ નજીકની કિંમતી સરકારી જમીન પર ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોએ અડિંગો જમાવ્યો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સાનિધ્ય-254 ફ્લેટ ઓનર્સ એસોસિએશન અને અંબિકાપાર્ક ફ્લેટ ઓનર્સ એસોસિએશન દ્વારા આ બાબતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

રહેવાસીઓના જણાવ્યા મુજબ, ટી.પી. સ્કીમ નં. 28 ના સર્વે નં. 194 પૈકીના સરકારી પ્લોટમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ઝૂંપડપટ્ટી બનાવી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. ખુલ્લા પ્લોટમાં કચરો અને ગંદકી ફેલાવવામાં આવી રહી છે, જેનાથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. દબાણવાળા વિસ્તારમાં અસામાજિક તત્વોનો જમાવડો રહે છે, જેના કારણે સ્થાનિક મહિલાઓ અને બાળકીઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બાજુમાં 50 ફૂટનો ટી.પી. રોડ નીકળતો હોવા છતાં દબાણને કારણે અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે આ પૂર્વે પણ મ્યુનિસિપલ કમિશનર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ગત 24-12-2024 ના રોજ યોજાયેલા ’તાલુકા સ્વાગત’ કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન રજૂ કરાયો હતો, પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *