વિછીયાના મોઢુકા ગામે સરકારી જમીન ઉપર કબજો કરનાર સામે મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર કબજો કરનારને નોટીસ આપી જગ્યા ખાલી કરવા સુચના આપ્યા છતાં જગ્યા ખાલી નહી કરનાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોઢુકા ગામના મોઢુકા-વિંછીયા રોડ કાંઠે આવેલી સરકારી ખરાબાની જમીન સર્વે નંબર 155 પૈકી 44/ પૈકી 1 માં રમેશભાઈ જગશીભાઈ તાવિયા (રહે. મોઢુકા) દ્વારા અંદાજિત 125 ચોરસ મીટર જમીન પર અનઅધિકૃત રીતે કબજો જમાવવામાં આવ્યો હતો. આ જમીન પર આરોપીએ રહેણાંક હેતુ માટે પાકું બાંધકામ કરી જમીન પચાવી પાડી હતી.
આ દબાણ સર્કલ ઓફિસરના ધ્યાને આવતા તેમણે જમીન મહેસૂલ કાયદાની કલમ-61 હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. જે બાદ વિંછીયા મામલતદાર દ્વારા પેશકદમી કેસ ચલાવી ગત તા. 21/01/2026ના રોજ દબાણ ખુલ્લું કરવા અને રૂૂ. 625/- નો દંડ ભરવા હુકમ કર્યો હતો. મામલતદાર કોર્ટના હુકમ છતાં દબાણદારે સ્વેચ્છાએ જમીન ખાલી ન કરતા, વિંછીયા મામલતદાર શ્રી યુ.વી. કાનાણીએ આ બાબતને ગંભીરતાથી લઈ નાયબ કલેક્ટર જસદણને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત મોકલી હતી.
રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા કક્ષાની સમિતિની બેઠકમાં તા. 20/02/2026ના રોજ આ કેસમાં કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીના આદેશ બાદ, મામલતદાર યુ.વી. કાનાણીએ સરકાર તરફે ફરીયાદી બની આરોપી રમેશભાઈ તાવિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જંત્રીના દર મુજબ આ જમીનની કિંમત આશરે રૂૂ. 62,500/- થાય છે. પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ-3 અને 4 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સરકારી તંત્રની આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને સરકારી જમીન દબાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
