શહેરના લાખાજીરાજ રોડ સહિતની મુખ્ય બજારોમાં બેસતા પાથરણાના અને ફેરીયાઓના ત્રાસથી કંટાળીને વેપારીઓએ અગાઉ અનેક વખત કોર્પોરેશનમાઁ રજૂઆત કરી છે. જેના લીધે મનપાના જગ્યા રોકાણ વિભાગે પણ થોડો સમય ચેકિંગ કામગીરી કરી હતી. ત્યારબાદ આ બનાવ વિસરાઇ જતા ફરી પાથરણાના વાળાઓએ ફરી મુખ્ય બજારો પર કબજો કરી લેતા અલગ અલગ વેપારી મંડળોએ તેનો સખત વિરોધ કરી દિવાળીના તહેવારો દરમિયાન માંડ માંડ ધંધો મળ્યો છે. ત્યારે પાથરણાના વાળાઓ ફરી ગોઠવાઇ જતા આજે મ્યુ.કમિશનરને તમામ એસોસીએશન દ્વારા ઉગ્ર રજૂઆત અલ્ટીમેટમ આપવાનો કાર્યક્રમ સાંજે ગોઠવ્યો છે..
લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતની જૂની મુખ્ય બજારોમાં દુકાની આગળ ફેરીયાઓ અને પાથરણાના વાળાઓ ગોઠવાઇ જતા કરોડો રૂપિયાના ખર્ચે લીધેલ દુકાનોમાં ધંધા ઠપ્પ થઇ જતા દુકાનદારોએ આ મુદ્દે કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરી હતી. આથી ધારાસભ્ય સહિતનાએ વેપારીઓને બાહેધરી આપી કોર્પોરેશને મુખ્ય બજારોમાં દર બે કલાકે જગ્યા રોકાણ વિભાગનું ચેકિંગ ચાલુ કર્યુ હતું.
જે થોડા સમય ચાલુ રહ્યા બાદ બંધ થઇ જતાં ફરી વખત પાથરણાના વાળાઓ મુખ્ય બજારોમાં ગોઠવાઇ ગયા હતા. આથી ધારાસભ્ય સહિતનાએ આ મુદ્દે કાયમી ઉકેલ ન કાઢતા આજે તમામ વેપારી એસોસીએશનઓ એકઠા થયા હતા અને આ મુદ્દે હવે આરપારની લડાઇ લડવાનો નિરધાર કરી કોર્પોરેશનને છેલ્લુ અલ્ટીમેટમ આપવાનુ નક્કી કર્યુ છે. એસોસીએશના જણાવ્યા મુજબ આજે સાંજે 4.30 કલાકે મ્યુ. કમિશનરને તમામ વેપારી મંડળો એકઠા થઇ મ્યુ.કમિશનરને રજૂઆત કરશે. છતા જો કાયમી નિવેડો નહીં આવેતો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
દબાણોનું મુખ્ય કારણ વેપારીઓમાં તડા
લાખાજીરાજ રોડ ઉપર પાથરણાઓના દબાણ મુદ્દે તમામ વેપારી એસોસીએશન આજે મ્યુ.કમિશનરને ફાઇનલ અલ્ટીમેટમ આપવાનું છે ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ અમૂક વેપારીઓ દ્વારા પાથરણાવાળાઓને પ્રોત્સાહન આપી પોતાનો માલ વેંચવા માટે આપે છે તેવી જ રીતે દુકાન આગળ બેસવાના ઉઘરાણા પણ કરવામાં આવી રહ્યા છે. આથી વેપારીઓમાં જ તડા હોવાથી તેનો લાભ પાથરણાના વાળાઓ લઇ રહ્યા છે.
