ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-20 મેચમાં 125 રનથી મળેલી કારમી હાર અને સળંગ 4 મેચ ગુમાવ્યા બાદ, મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આખરે પોતાનું મૌન તોડ્યું છે. ગંભીરે આ નબળા પ્રદર્શન અંગે ખુલીને વાત કરતા સ્વીકાર્યું છે કે ટીમ હાલમાં ’રિસેટ’ (નવેસરથી તૈયાર થવા) ના તબક્કામાંથી પસાર થઈ રહી છે. જોકે, તેમણે ટીમની હાર પાછળ ખરાબ ફોર્મ કે બિનઅનુભવી હોવા કરતાં ’ગેમ અવેરનેસ’ (રમત પ્રત્યેની જાગૃતિ) ના અભાવને સૌથી મોટી નબળાઈ ગણાવી છે.
ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન યુવા ટીમની સરખામણી ઝ20 વર્લ્ડ કપ વિજેતા ટીમ સાથે કરવી એ ખેલાડીઓ પર અન્યાય સમાન છે. ટીમનો કેપ્ટન નવો છે, ઓપનિંગ જોડી નવી છે અને હાર્દિક પંડ્યા તથા જસપ્રીત બુમરાહ જેવા મેચ વિનર અને અનુભવી ખેલાડીઓ હાલ ટીમનો ભાગ નથી. કોચે કહ્યું, “જ્યારે કોઈ ટીમને ફરીથી સેટ કરવામાં આવે છે, ત્યારે તેને પરિપક્વ થવા થોડો સમય આપવો પડે છે. અત્યારે 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ઓપનિંગ કરી રહ્યો છે, પ્રિન્સ યાદવ પોતાની બીજી જ ટી-20 રમી રહ્યો છે અને હર્ષિત રાણા ઈજામાંથી પરત ફરી રહ્યો છે.
આ સ્થિતિમાં માત્ર મેચના પરિણામો જોઈને આખી પરિસ્થિતિનું મૂલ્યાંકન ન કરી શકાય.” હારનું મુખ્ય કારણ જણાવતા ગંભીરે કહ્યું કે સમસ્યા ખેલાડીઓની ટેકનિકમાં નહીં, પરંતુ તેમની વિચારસરણી અને નિર્ણયો લેવાની ક્ષમતામાં છે. ભારતીય ખેલાડીઓ મેચ દરમિયાન મેદાનની પરિસ્થિતિઓને યોગ્ય રીતે વાંચવામાં સતત નિષ્ફળ રહ્યા છે. બેટ્સમેન અને બોલરોએ એ સમજવું પડશે કે પિચ કેવો વર્તાવ કરી રહી છે, પવનની દિશા કઈ છે, મેદાનનો કયો ભાગ મોટો છે અને કયા સમયે જોખમ લેવું યોગ્ય છે. ટી-20 ક્રિકેટમાં આ નાની-નાની બાબતો આખી મેચનું પરિણામ બદલી નાખે છે. કોચે ભારપૂર્વક કહ્યું કે, આયર્લેન્ડ પ્રવાસથી લઈને અત્યાર સુધી આપણે પરિસ્થિતિ મુજબ ઢળી શક્યા નથી, જો આપણે પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજી શક્યા હોત તો સળંગ 4 મેચ ન હાર્યા હોત.
