શહેરના સામાકાંઠે આવેલા સંત કબીર રોડ પર બંગડીના કારખાનામાં દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે મજુરને ઝડપી લીધો હતો. જયારે કારખાનાનો માલીકે જ દારૂ આપ્યાનું ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી.ડી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ હે.કો. જયરાજસિંહ કોટીલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સંત કબીર રોડ પર સદગુરૂ સોસાયટી શેરી નં.1માં આવેલા બંગડીના કારખાનામાં ઉપરના માળે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં હાજર મજુર વિજય ધિરૂભાઇ ભેંસજાડીયાને ઝડપી પાડયો હતો.
અને કારખાનામાં તલાસી લેતા બાચકામાં ભરેલા વિદેશી દારૂના ચપલા નંગ 24 કિંમત 1920 મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી વિજય ભેંસજાડીયાની ધરપકડ કરી હતી. જેની પુછપરછમાં આ દારૂનો જથ્થો તેના શેઠ વિવેક વિજયભાઇ કોબીયાએ આપ્યાનું અને પોતે છુટક વેચાણ કરતો હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કારખાના માલીકની શોધખોળ હાથ ધરી છે.
