કોળી સમાજમાં ભાગલા માટે કુંવરજી બાવળિયા જવાબદાર

સંગઠનની વિધિવત ચૂંટણી યોજાઇ હોવા છતાં બાવળિયા સમાંતર સંગઠન ઉભું કરવા પ્રયાસો કરતા હોવાથી ભાગલા પડ્યા: અજિત કોન્ટ્રાક્ટર બાવળિયાએ મંજૂરી વગર નિમણૂકો કરી નાખી, કોર્ટ…

સંગઠનની વિધિવત ચૂંટણી યોજાઇ હોવા છતાં બાવળિયા સમાંતર સંગઠન ઉભું કરવા પ્રયાસો કરતા હોવાથી ભાગલા પડ્યા: અજિત કોન્ટ્રાક્ટર

બાવળિયાએ મંજૂરી વગર નિમણૂકો કરી નાખી, કોર્ટ કેસ પણ જાણી જોઇને લંબાવી રહ્યાનો આક્ષેપ

કોળી સમાજના રાષ્ટ્રીય સંગઠનમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવ્યો છે. આ વિવાદ મામલે સંગઠનના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સંગઠનમાં જે ગેરબંધારણીય અને ગેરકાનૂની પ્રમુખ પદની વાતો વહેતી કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. સમાજની સર્વોચ્ચ સંસ્થામાં આ પ્રકારે વિવાદ થવાથી પાયાના કાર્યકરોમાં પણ મૂંઝવણ ઉભી થઈ છે.
પોતાની નિમણૂક અંગે સ્પષ્ટતા કરતા અજીત કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, રાજસ્થાનના અજમેર ખાતે વિધિવત રીતે સંગઠનની ચૂંટણી યોજાઈ હતી. આ લોકશાહી પ્રક્રિયામાં તેઓ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘મારી સામે ચંદ્રવદન પીઠાવાલા ચૂંટણી લડ્યા હતા, જેમાં બહુમતી સાથે મારી જીત થઈ હતી. આથી, ટેકનિકલ અને કાયદાકીય દ્રષ્ટિએ અમે જ સંગઠનના સાચા પ્રતિનિધિ છીએ.’

પૂર્વ પ્રમુખે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, કુંવરજી બાવળીયાના સમાંતર બીજું સંગઠન ઊભું કરવાના પ્રયાસોને કારણે આજે કોળી સમાજમાં ભાગલા પડ્યા છે. તેમણે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને જાહેર અપીલ કરી છે કે સમાજની બરબાદી અટકાવો. અજીત કોન્ટ્રાક્ટરના મતે, અત્યારે જે અલગ-અલગ જૂથો ચાલે છે તેમને ભેગા કરી, સર્વસંમતિથી નવા પ્રમુખની વરણી કરવી જોઈએ જેથી સમાજની એકતા જળવાઈ રહે. સંગઠનમાં નિમણૂક કરવાના અધિકાર મુદ્દે બોલતા તેમણે કહ્યું કે, કાયદેસર રીતે આ હક અમારી પાસે છે. કુંવરજી બાવળિયાએ સંગઠનની મંજૂરી વગર નિમણૂકો કરતા આ મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રમુખનો આક્ષેપ છે કે કુંવરજી બાવળિયા પોતે પ્રમુખ છે તેવું સાબિત કરવા માટે જાણીજોઈને કેસને લંબાવી રહ્યા છે. અંતમાં તેમણે વિનંતી કરી હતી કે કુંવરજીભાઈ આ કેસ પરત ખેંચી લે અને સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં સહકાર આપે.

ઉલ્લેખનીય છે કે, સુરત ખાતે મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં રાજ્યસરકારમાં મંત્રી કુંવરજી બાવળિયાએ કોળી સમાજના સંગઠનને તોડનારા તત્વો પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. આવા તત્વો ખોટી રીતે હોદ્દાઓ ધારણ કરી આખા કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

સાથે તેમણે કહ્યું, “સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી સંગઠન એજ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે એમાં કોઈ તથ્ય નથી.” કુંવરજી બાવળિયાએ કહ્યુ કે કેટલાક લોકો દુવિધા ઉભી કરવાનો પ્રયાસ કરે છે, સંગઠનના નામે નવી નિમણૂકો આપી સમાજને તોડવાનો પ્રયાસ થયો છે. કોર્ટમાં પડતર કેસનો ઉકેલ આવે પછી સંગઠન આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *