કોલકાતા સ્તબ્ધ, લખનઉ ગદગદ ! મુકુલ ચૌધરીના છેલ્લા બોલે લખનઉ સુપર જાયન્ટ્સે બાજી મારી

IPLમાં સતત બીજા દિવસે મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી પહોંચ્યો ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ નંબર 15 આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ…

IPLમાં સતત બીજા દિવસે મેચનો રોમાંચ છેલ્લા બોલ સુધી પહોંચ્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની મેચ નંબર 15 આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં લખનઉ સુપર જાયન્ટેસ છેલ્લા બોલમાં રોમાંચક જીત મેળવી છે. મેચમાં લખનઉએ કોલકાતાને 3 વિકેટે હરાવ્યું છે. કોલકાતાએ લખનઉને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને તેઓએ છેલ્લા બોલે હાંસલ કર્યો હતો. લખનઉની જીતનો હીરો મુકુલ ચૌધરી રહ્યો, જેણે 27 બોલમાં અણનમ 54 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મુલુકે સાત છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા.

છેલ્લી ઓવરમાં લખનઉને જીત માટે 14 રનની જરૂૂર હતી. વૈભવ અરોરાની તે ઓવરમાં પહેલા બોલ પર આવેશ ખાને સિંગલ લીધો. પછી મુકુલ ચૌધરીએ બીજા અને પાંચમી બોલ પર છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે છેલ્લા બોલ પર સિંગલ લઈને તેણે ટીમને જીત અપાવી. લખનઉની આ સતત બીજી જીત છે. બીજી તરફ કોલકાતા માટે ચાર મેચમાં આ ત્રીજી હાર રહી.

કોલકાતા નાઇટ રાઇડર્સને મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચ વરસાદને કારણે રદ થયો હતી. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સને દિલ્હી કેપિટલ્સ (DC) સામે હાર મળી હતી, પરંતુ ત્યારબાદ તેમણે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું.

રનચેઝ દરમિયાન લખનઉ સુપર જાયન્ટ્સની શરૂૂઆત સારી રહી. એડન માર્કરમ (22 રન) અને મિચેલ માર્શે (15 રન) મળીને પહેલી વિકેટ માટે 41 રનની પાર્ટનરશીપ કરી હતી. ’ઇમ્પેક્ટ સબ’ વૈભવ અરોરાએ એક જ ઓવરમાં બંને બેટ્સમેનને આઉટ કર્યા હતા. કેપ્ટન ઋષભ પંત આ મેચમાં ખાસ કંઈ કરી શક્યો નહીં અને 10 રન પર કેમેરોન ગ્રીનનો શિકાર બન્યો. નિકોલસ પૂરન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે માત્ર 13 રન બનાવી કાર્તિક ત્યાગીના બોલ પર કેચ આઉટ થયો.

અબ્દુલ સમદને (2 રન) અનુકૂલ રોયે બોલ્ડ કરીને કોલકાતાને પાંચમી સફળતા અપાવી. ’ઇમ્પેક્ટ સબ’ આયુષ બદોનીએ સારી બેટિંગ કરી અને ફિફ્ટી ફટકારી. જોકે અનુકૂલ રોયે તેને આઉટ કરી દીધો. બદોનીએ 37 બોલમાં 54 રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. મોહમ્મદ શમી (1 રન) સુનિલ નરેનના બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં અનુકૂલ રોયને કેચ આપી બેઠો હતો. ત્યાંથી મુકુલ ચૌધરીએ એકલા હાથે મેચનો પલટી નાખી હતી.

કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ચાર વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતા. તેની શરૂૂઆત સારી રહી નહોતી. બીજી જ ઓવરમાં ફિન એલન (9 રન) આઉટ થયો. ત્યારબાદ કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગકૃષ રઘુવંશીએ બીજી વિકેટ માટે 84 રનની પાર્ટનરશીપ કરી. દિગ્વેશ રાઠીએ રહાણેને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.

અજિંક્ય રહાણેએ 24 બોલમાં 41 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. ત્યારબાદ અંગકૃષ રઘુવંશી પણ આઉટ થયો, જેણે 33 બોલમાં 45 રન બનાવ્યા. ઉપ-કપ્તાન રિંકુ સિંહ માત્ર 4 રન બનાવી શક્યો અને તેને આવેશ ખાને આઉટ કર્યો. ત્યારબાદ કેમેરોન ગ્રીન અને રોવમેન પાવેલે પાંચમી વિકેટ માટે 40 બોલમાં નાબાદ 70 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. ગ્રીને 24 બોલમાં 32* રન બનાવ્યા, જ્યારે પાવેલે 24 બોલમાં 39* રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.

 

IPL 2026: ફિન એલન આઉટ કે નોટ આઉટ? છગ્ગો મારવા પર અપાયો આઉટ, બબાલ શરૂ
IPL 2026ની 15મી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ રહી છે. મેચની શરૂૂઆતમાં જ એક મોટો વિવાદ ફાટી નીકળ્યો, જેના કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ. મેચની બીજી ઓવરમાં લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવે ફિન એલનને આઉટ કર્યો. જોકે, અમ્પાયરે એક મોટી ભૂલ કરી જેનાથી બધા ચોંકી ગયા.હકીકતમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ્સના બીજા ઓવરના ચોથા બોલ પર પ્રિન્સ યાદવે KKR ઓપનર ફિન એલનને આઉટ કર્યો. આ બોલ ઓફ સ્ટમ્પની બહાર હાર્ડ લેન્થ ડિલિવરી હતો, જેમાં થોડી બહારની હિલચાલ હતી. એલને પુલ શોટનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની ઉપરની ધારને સ્પર્શી ગયો અને ઉપર ગયો. ડીપ થર્ડ મેન પર ઉભેલા દિગ્વેશ રાઠીએ બાઉન્ડ્રી પરથી શાનદાર કેચ પકડ્યો. શરૂૂઆતમાં, તે એક શાનદાર કેચ જેવો લાગતો હતો. પરંતુ રિપ્લેમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે દિગ્વેશ રાઠી કેચ લેતી વખતે બાઉન્ડ્રી દોરડા (સ્કર્ટિંગ)ને સ્પર્શી ગયો હતો. એક ક્ષણ માટે, એવું લાગ્યું કે તેનો પગ અથવા શરીર દોરડાને સ્પર્શી રહ્યું છે. વધુમાં, બાઉન્ડ્રી કુશનમાં થોડી હિલચાલ થઈ. છતાં, અમ્પાયરે તપાસ કરી નહીં અને ફિન એલનને આઉટ આપવામાં આવ્યો. આ નિર્ણયથી તરત જ વિવાદ થયો. જો અમ્પાયર સતર્ક હોત, તો એલન આઉટ ન થાત કારણ કે તે છગ્ગો હતો અને તેને છ રન આપવામાં આવ્યા હોત. આ નિર્ણયથી ઇડન ગાર્ડન્સના લોકો ગુસ્સે ભરાયા હતા, અને FinnAllenNotOut અને BadUmpiring જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *