કોડીનાર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત શૌચાલય યોજના હેઠળ વર્ષ 2012થી2017ના સમયગાળા દરમિયાન કેટલાક સૌચાલય માત્ર રેકર્ડ પર જ બનાવીને ચુકવણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાની શંકાસ્પદ ફરિયાદ પ્રકરણ ફરી ગાજતું થયું છે. કોડીનારના આરટીઆઇ કાર્યકર્તા મહેશભાઈ મકવાણા વતી અમદાવાદના એડવોકેટ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા 9/2/2023ના રોજ હુકમ કરીને જવાબદારો સામે પગલાં ભરવા આદેશ પણ કર્યો હતો આ આદેશના પગલે કોડીનાર નગરપાલિકા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરીને સ્ટે લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા આ સ્ટે અરજીનો તા.20/6/2025ના રોજ નિકાલ પણ કરી નાખ્યો અને કોડીનારના શૌચાલનારી યોજનામાં થયેલા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકો સામે ફરિયાદ કરવા આદેશ યથાવત રાખ્યો હતો આમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 9/2/2023ના રોજ આપેલા આદેશને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો અને નગરપાલિકાના વકીલ દ્વારા હાઇકોર્ટમાં કરેલ રિકોલ માટેની અરજીનો નિકાલ કર્યાને પણ એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં નહીં લેવાતા મહેશભાઈ મકવાણાના એડવોકેટ આનંદયાજ્ઞિકે તા.3/8/2026ના રોજ ભ્રષ્ટાચાર સમિતિને એક પત્ર લખીને ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન કરવા જણાવતા શોચાલય કૌભાંડ ફરી ગાજ્યું છે.
નિમેળ ગુજરાત સૌચાલય યોજના હેઠળ કોડીનાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા 2012થી 2017 સુધીમાં શૌચાલય કૌભાંડ આચાર્યુ હોવાની મહેશભાઈ મકવાણા દ્વારા હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં અમુક લાભાર્થીને બેથી ત્રણ વખત નાણાં ચૂકવાયાનું તો કેટલાક મૃતકના નામે શૌચાલય બનાવી નાખ્યાની અરજી કરવામાં આવી હતી અને જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી હતી જેની તપાસ ગીર સોમનાથ જિલ્લા એસીબી દ્વારા કરવામાં આવી હતી પરંતુ જવાબદારો સામે ફરિયાદ નોંધવામાં ઢીલી નીતિ રાખવામાં આવી હતી.
