ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના વિકાસ માટે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા ની માંગ ઉઠી છે. દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ તથા મિશન બ્રોડગેજ દેલવાડા,ઉના સમિતિ દ્વારા ભારત સરકારના રેલવેમંત્રીને સંબોધીને દેલવાડા, તાલાળા, વીસાવદર, જૂનાગઢ મીટરગેજ રેલમાર્ગને બ્રોડગેજમાં રૂૂપાંતરિત કરવા સહિત કુલ 8 મહત્વપૂર્ણ માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માનનીય પ્રાંત અધિકારી, ઉના મારફતે રેલવે મંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ તથા દક્ષિણ સૌરાષ્ટ્રના આર્થિક, સામાજિક અને પ્રવાસન વિકાસ માટે આધુનિક રેલવે કનેક્ટિવિટી સમયની તાતી જરૂૂરિયાત છે.
ચેમ્બર દ્વારા સૌપ્રથમ દેલવાડા,તાલાળા,વીસાવદર જૂનાગઢ મીટરગેજ રેલમાર્ગને તાત્કાલિક બ્રોડગેજમાં રૂૂપાંતરિત કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત તાલાળા,વેરાવળ મીટરગેજ રેલમાર્ગને પણ બ્રોડગેજ માં રૂૂપાંતરિત કરવા રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં દેલવાડાથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ સુધી નવી રેલવે લાઇનનો સર્વે હાથ ધરી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી છે.
દીવ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ છે, જ્યારે સાસણ ગીર વિશ્વવિખ્યાત એશિયાઈ સિંહોના અભ્યારણ્ય તરીકે ઓળખાય છે. બંને મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્રોને આધુનિક રેલવે સુવિધાથી જોડવામાં આવે તો સમગ્ર વિસ્તારના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળી શકે તેવી રજૂઆતમાં દલીલ કરવામાં આવી છે.પીપાવાવ પોર્ટ અને રાજુલા સાથે રેલ કનેક્ટિવિટીનો પ્રસ્તાવ ચેમ્બર દ્વારા દેલવાડા,સીમર,રાજુલા જંકશન અથવાપીપાવાવ પોર્ટ સુધી નવી રેલવે લાઇનનો સર્વે કરવાની પણ માંગ કરાઈ છે. આ કનેક્ટિવિટી વિકસે તો ગીર સોમનાથ સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગ અને માલ પરિવહનને વધુ સુગમતા મળી શકે છે. આ ઉપરાંત દેલવાડા,ચલાલા અથવા બાઢડા જંકશન સુધી, સીમર બંદર અને ખાંભા માર્ગે નવી રેલવે લાઇનના સર્વેની માંગ કરવામાં આવી છે. આ માર્ગ વિકસે તો દક્ષિણ સૌરાષ્ટ્ર ને ધોલેરા મારફતે ગુજરાત અને દેશના અન્ય વિસ્તારો સાથે ઝડપી રેલ કનેક્ટિવિટી મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે આ પ્રકારના રેલવે પ્રોજેક્ટથી ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસન, કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, વેપાર, ઉદ્યોગ અને સ્થાનિક રોજગારીને નોંધપાત્ર પ્રોત્સાહન મળી શકે છે.ખાસ કરીને સાસણ ગીર અને દીવ જેવા પ્રવાસન સ્થળો વચ્ચે સીધી અને ઝડપી રેલ કનેક્ટિવિટી વિકસે તો પ્રવાસીઓની અવર જવર વધવાની સાથેસ્થાનિકવેપારીઓ,હોટલ,રેસ્ટોરન્ટ વ્યવસાય, વાહન વ્યવહાર અને નાના,મોટા ઉદ્યોગોને પણ તેનો સીધો લાભ મળી શકે છે.
રેલવે વિકાસની સાથે પર્યાવરણ અને વન્યજીવોની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવામાં આવે તેવી મહત્વપૂર્ણ માંગ રજૂઆતમાં કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા રેલવે વિકાસ અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે દિશામાં આયોજનકરવા ની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ તથા મિશન બ્રોડગેજ દેલવાડા ઉના સમિતિ દ્વારા કરાયેલી આ રજૂઆતની નકલો ભારત સરકારના વડાપ્રધાન, રેલવે મંત્રી, રેલ રાજ્યમંત્રી, રેલવે બોર્ડના અધ્યક્ષ, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર, ભાવનગર વિભાગના ઉછખ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત મંત્રીઓ તથા અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.
