સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી
ગીર સોમનાથ જિલ્લામાં વધતા જતા મિલકત વિરોધી ગુનાઓને ડામવા અને વણઉકેલાયેલા ચોરીના કેસો ઉકેલવા માટે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના પગલે કોડીનાર પોલીસને મોટી સફળતા મળી છે. કોડીનાર પોસ્ટ ઓફિસ પાસેથી મોટરસાયકલની ચોરી કરનાર શખ્સને પોલીસે રાજકોટના મેટોડા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2026માં કોડીનાર તાલુકાના અરણેજ ગામના રહેવાસી મનુભાઈ દાનાભાઈ જાદવ પોતાની હીરો કંપનીની ડીલક્સ મોટરસાયકલ લઈ કોડીનાર આવ્યા હતા. તેમણે આ બાઈક પોસ્ટ ઓફિસ પાસે આવેલ મદ્રેસા નીચે, અલંકાર ચશ્માવાળા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. આ દરમિયાન મોઢે રૂૂમાલ બાંધેલો એક અજાણ્યો શખ્સ બાઈકની ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે અંગેની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
પી.આઈ. એમ.કે. વણારકાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસમાં જોતરાઈ હતી. પોલીસ કોન્સ્ટેબલ અભિજીતસિંહ, ભીખુશા બચુશા, અને વિક્રમભાઈ સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ચોરીનું બાઈક લઈને રાજકોટ તરફ નાસી ગયો છે.
જેના આધારે કોડીનાર પોલીસની એક ટીમ રાજકોટ રવાના કરવામાં આવી હતી. પોલીસે રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ’આસ્થા વિલેજ કોલોની’ ખાતે દરોડો પાડી આરોપીને ચોરીના મોટરસાયકલ સાથે દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મનુભાઈ કરસનભાઈ વાઢેર (ઉં.વ. 58) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ કોડીનાર તાલુકાના પણાદર ગામનો વતની છે અને હાલ રાજકોટના મેટોડા વિસ્તારમાં રહે છે. પોલીસે હાલ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
