જય સરદારના નાદ સાથે રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું પ્રસ્થાન

ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે પદયાત્રામાં અનેક લોકો જોડાયા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની…

ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાની આગેવાનીમાં સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવાના સંકલ્પ સાથે પદયાત્રામાં અનેક લોકો જોડાયા

અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂૂપે આયોજિત ‘સરદાર150 સ્વદેશી પદયાત્રા 2025’નો ભવ્ય, ઐતિહાસિક અને ભાવસભર આરંભ આજે તા. 26 ડિસેમ્બર 2025ના રોજ સવારે 7:00 કલાકે સ્વામિનારાયણ ગુરુકુલ, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ પદયાત્રાનું આયોજન રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવ્યું છે. સરદાર પટેલના વિચારો માત્ર સ્મરણ પૂરતા ન રહે, પરંતુ જનજીવનનો ભાગ બને અને સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થાય તે આ પદયાત્રાનો મુખ્ય હેતુ છે.

પ્રસ્થાન પૂર્વે સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરી પદયાત્રાને શુભ આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી, મુંજકા આશ્રમના સ્વામી પરમાત્માનંદજી, આનંદી આશ્રમ શાપરના મસ્તરામ બાપુ તથા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી, આપાગીગા ઓટલાના નરેન્દ્રબાપુ, સહિત ઉપસ્થિત સંત-મહાત્માઓના દિવ્ય આશીર્વાદ સાથે પદયાત્રાને વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સમગ્ર ગુરુકુલ પરિસર ભક્તિ, દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

પ્રસ્થાન પ્રસંગે વિશેષ આકર્ષણરૂૂપે સરદાર વલ્લભભાઈ પટેલની રથમાં સજાવેલી ભવ્ય પ્રતિમાને સંતો, મહંતો તથા મહાનુભાવોએ ફૂલહાર અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યું હતું. ત્યારબાદ મંચ પર સરદાર પટેલના આદર્શો અને રાષ્ટ્રભાવનાનું પ્રતિક એવા સરદાર ધ્વજનું વિધિવત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વિધાર્થી બેન્ડના દેશભક્તિપૂર્ણ સંગીત, ઢોલ-નગારા અને જયઘોષ વચ્ચે રથ તથા પદયાત્રીઓને વાજતે-ગાજતે પ્રસ્થાન કરાવી યાત્રાનો ઔપચારિક આરંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રાજકોત સ્ટેટ માંધાતાસિંહ જાડેજા, સીદસર ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, બાલાજી વેફર્સન ચંદુભાઈ વિરાણી, સાથે જ ધારાસભ્યઓ, રાજકોટ ના મેયર, ભાજપ પ્રમુખ, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાના હોદેદારો, ભાઈ-બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસ્થાન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના વિચારો માત્ર ઇતિહાસના પાનાંઓ સુધી સીમિત ન રહે, પરંતુ દરેક ભારતીયના દૈનિક જીવનમાં ઉતારે તે માટે આ સ્વદેશી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશી અપનાવવું એ માત્ર આર્થિક નિર્ણય નહીં, પરંતુ રાષ્ટ્રનિર્માણની જવાબદારી છે. આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા જનજનની ભાગીદારી અનિવાર્ય છે.

પદયાત્રાના માર્ગ દરમિયાન વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શાપર તથા વેરાવળના ગ્રામજનો, મહિલા મંડળો, સેવા સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓ, લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, ગૌશાળા ટ્રસ્ટ, ભરવાડ સમાજ, ગઢવી (ચરણ) સમાજ, ફિલ્ડમાર્શલ હાઈસ્કૂલ વેરાવળ, શાપરવેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ ટ્રસ્ટ, મેડિકલ તથા ડોકટર એસોસિએશન, વેપારી મંડળ, પી.જી.વી.સી.એલ. ડિવિઝન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સ્વાધ્યાય પરિવાર, ઘેડિયા કોળી સમાજ, કોટડા સાંગાણી તાલુકા ભાજપ, મુસ્લિમ સમાજ તથા દલિત સમાજ દ્વારા પદયાત્રીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી વંદન કરવામાં આવશે.

દેશભક્તિના નાદ, ભારત માતાની જયઘોષ અને સ્વદેશી અપનાવવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ રાજકોટથી ખોડલધામ તરફ પગપાળા આગળ વધી રહ્યા છે. સમગ્ર માર્ગ પર ગામેગામ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. આ પદયાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા, શિસ્ત, દેશપ્રેમ અને આત્મનિર્ભર ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો દ્રઢ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *