રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં રોડ-રસ્તાની અતિ દયનીય હાલત થઈ ગઈ છે. જેમાં ખિરસરા લોધિકા રોડને કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો જે માત્ર ત્રણ જ મહિનામાં તુટી ગયો છે. જેનાથી ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. આ બાબતની તપાસ કરવા માટે જાગૃત નાગરિકો દ્વારા કલેકટરને આવેદન આપી રજૂઆત કરાય હતી.
રજૂઆતમાં જણાવ્યું છે કે, ખીરાસરા-લોધિકા રોડનું કામ તા.20-2-25નાં રોજ શરૂ થયું હતું અને તા.19-6-2025નાં રોજ પૂર્ણ થયેલ છે. આ કામ પટેલ ક્ધસ્ટ્રકશન એન્ડ કુ. દ્વારા કરાવવામાં આવ્યું હતું. રોડના આ કામ પાછળ કુલ 5,76,10,131.77 (પાંચ કરોડ છોતેર લાખ દસ હજાર એકસો એકત્રીસ રૂપિયા સિતેર પૈસા) જેટલો ખર્ચ કરાયો છે.
કામપૂર્ણ થયાના હાલ માત્ર બે થી ત્રણ મહિના થયા છે. તેમ છતાં રોડ પર અનેક જગ્યાએ ગાબડાં પડી ગયાં છે.આથી સ્પષ્ટ થાય છે કે રોડના કામમાં યોગ્ય ગુણવત્તા જાળવવામાં આવી નથી અને જનહિતના નાણાંનો મોટાપાયે બગાડ કરવામાં આવ્યો છે.
પ્રકાશ તોગડીયા જે પટેલ ક્ધસ્ટ્રકશન એન્ડ કુ.ના માલિક છે, અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા (જિલ્લા પંચાયત સભ્ય મખાવડ) હાલમાં તેઓ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે અને આ કંપનીના માલિક તેમના પતિના ભાઈ પણ થાય છે.
આ પ્રકારની સગાવાદને કારણે ગુણવત્તા વિના કામ પતાવી દેવામાં આવ્યું હોવાનો શંકાઓ ઉભી થતી હોઈ છે.
જાહેર નાણાંના આવા દુરુપયોગ સામે તંત્ર તાત્કાલીક કાર્યવાહી કરે, કામની તપાસ કરાવે, જવાબદાર કોન્ટ્રાકટર સામે કડક પગલાં ભરે અને રોડને તાત્કાલીક સુધારવા જરૂરી સુચનાઓ આપે તેવી જાગૃત નાગરિકો પાર્થ રાઠોડ સહિતના લોકો દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરાય છે.
