ખંભાળિયા નગરપાલિકાની ભાજપ શાસિત વર્તમાન બોડીની અંતિમ સામાન્ય સભા શનિવારે સાંજે સુપેરે સંપન્ન થઈ હતી. જેમાં એજન્ડા મુજબના તમામ 28 ઠરાવોને મંજૂરી સાંપળી હતી. આગામી વર્ષના રૂૂ. 7.72 કરોડની પુરાંત દર્શાવતા બજેટને પણ આ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
ખંભાળિયા નગરપાલિકાની એજન્ડા નંબર 18 મુજબની સામાન્ય સભા શનિવારે સાંજે અહીંના મ્યુનિસિપલ ગાર્ડનમાં આવેલી નગરપાલિકા કચેરીના સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં 28 પૈકી 18 સભ્યો હાજર રહ્યા હતા. 8 સભ્યો ગેરહાજર અને બે સભ્યોનો રજા રિપોર્ટ આવ્યો હતો.
નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણીની અધ્યક્ષતામાં યોજાયેલી આ સામાન્ય સભામાં એજન્ડામાં દર્શાવવામાં આવેલા રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટર બેઇઝ કર્મચારીઓના વર્ષ 2012 થી 2015 સુધીના ઈ.પી.એફ.ની રકમ જમા કરવા, નગરપાલિકાના બાકી રહેતા વીજ બિલની રકમ માટે લોન લેવા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને દરખાસ્ત કરવા, નવરાત્રી દરમિયાન થયેલા ખર્ચની બહાલી આપવા, નિવૃત્ત થયેલા તેમજ નિવૃત્ત થનારા કર્મચારીઓને મળવાપાત્ર લાભ ચૂકવવા, ફાયર શાખા માટે નવું ફાયર ફાઈટર ખરીદ કરવા, સરકારની ગંગા સ્વરૂૂપા યોજનાનો લાભ મેળવતા વિધવા માતા-બહેનોની મિલકતમાં તેઓને વેરામાંથી મુક્તિ આપવા, જુદી-જુદી શાખાઓ માટે માલસામાનની ખરીદી કરવા, ડોર ટુ ડોર ઘન કચરાની કામગીરી અંગેનું નવું ટેન્ડર બહાર પાડવા, ટાઉન હોલમાં લિફ્ટ નાખવા, નગરપાલિકાને મળેલી જુદી જુદી ગ્રાન્ટમાંથી વિકાસ કામો નક્કી કરવા, પોર ગેઈટ પાસે આવેલી શાકમાર્કેટના ગાલાઓના ભાડા ઘટાડવા ઉપરાંત જુદા જુદા વિકાસકામોમાં આવેલા ટેન્ડર મંજૂર રાખવા સહિત કુલ 28 ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હત પ્રમુખ સ્થાનેથી એક પણ ઠરાવ રજૂ થયો ન હતો.
ખંભાળિયા નગરપાલિકાના એકાઉન્ટન્ટ ધવલ ગોસ્વામી તથા ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા તૈયાર કરવામાં આવેલા વર્ષ 2026-27 ના બજેટમાં રૂૂ. 8.28 કરોડની કર, ફ્રીઝ અને ભાડાની ઉપજ, રૂૂ. 78.38 કરોડના વિવિધ અનુદાન, રૂૂ. 80 લાખની વ્યાજની આવક, 3.95 કરોડની પરચુરણ ઉપજ, 3.50 કરોડની ડિપોઝિટ, રૂૂ. 8 કરોડની ઓક્ટ્રોયના વળતરરૂૂપે મળતી ગ્રાન્ટ વિગેરે સહિત કુલ રૂૂ. 106.52 કરોડની આવક વચ્ચે વર્ષના પ્રારંભે રૂૂપિયા 19 કરોડ 57 લાખની ઉઘડતી સિલક મળી કુલ રૂૂપિયા 126.08 કરોડની આવક સામે રૂૂ. 82.38 કરોડ જાહેર બાંધકામ, રૂૂ. 13.71 કરોડ પબ્લિક હેલ્થ એન્ડ સેનીટેશન રૂૂ. 3.24 કરોડ જનરલ એડમિનિસ્ટ્રેશન, રૂૂ. 30 લાખ લોન-વ્યાજ, 2.80 કરોડ પેન્શન અને ગ્રેચ્યુઈટી, 7.75 કરોડ વોટર વર્ક્સ, 2.62 કરોડ સસ્પેન્સ એકાઉન્ટ, રૂૂ. 13.70 લાખ સોશિયલ વેલ્ફેર વિગેરેના કુલ રૂૂ. 118.36 કરોડના ખર્ચ બાદ વર્ષ 2026-27 ના અંતે અંદાજિત રૂૂપિયા 7.72 કરોડની પુરાંત આ બજેટમાં દર્શાવવામાં આવી છે. જે બજેટને જનરલ બોર્ડની મંજૂરી સાંપળી છે. આ જનરલ બોર્ડમાં અહીંના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જનરલ બોર્ડનું સંચાલન દેવેન્દ્રભાઈ વારીયાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યવાહીની વિડીયોગ્રાફી-ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.
