હજારો ટન કાટમાળ ઉપાડવાનુ શરૂ, ડિમોલીશન વાળા વિસ્તારોમાં પતરાની આડશ મુકી પ્રવેશ બંધી કરાઇ
જંગલેશ્ર્વરમાં સોમવાર સવારથી શરૂ થયેલ ડિમોલીશનની કામગીરી મંગળવારે રાત સુધીમાં પૂર્ણ કરવામાં આવી હતી. કુલ 1509 બાંધકામો તોડી પડ્યા બાદ આજ સવારથી કાટમાળ હટાવવાની અને સફાઇ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ 100થી વધુ ટ્રેક્ટરો અને ડમ્પર મારફત કાટમાળ સિંદૂરીયા ખાણ ઉપરાંત કોઠારિયા રોડ પર આવેલ અન્યા ખાણોમાં ઠલવામાં આવી રહ્યો છે. સાતેય ઝોનમાં થયેલ કામગીરી પૈકી ટીપી રોડ પરથી દૂર થયેલા 447 બાંધકામોનો કાટમાળ પ્રથમ દુર કરવામાં આવી રહ્યો છે.
કાટમાળ હટાવતી વખતે સલામતીના ભાગરૂપે જે શેરીઓમાં અને વિસ્તારોમાં ડિમોલીશન થયુ હોય તેવા સ્થળોએ પતરાની આડશ લગાવી લોકોને પ્રવેશ બંધી કરવામાં આવી છે. નદીકાંઠાના ડિમોલીશનનો કાટમાળ આજ બપોર બાદ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી રોડ અને આજી નદીના પટમાં સોમવારે 87000 ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવવા શરૂૂ કરાયેલું સૌરાષ્ટ્ર-રાજકોટનું સૌથી મોટું ઓપરેશન ડિમોલીશન બીજા દિવસે મંગળવારે સાંજે શાંતિપૂર્વક સમાપ્ત થયું હતું. સવારથી સાંજ સુધી 83 જેસીબી સહિતના 260 વાહનોની મદદથી બાકી રહેલા 390 મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. કુલ મળીને 1504 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
એ સાથે સલામતીના ભાગરૂૂપે ડિમોલીશન વિસ્તારની શેરીઓ પાસે પીળા પટ્ટા અને પતરાની આડશો મૂકવામાં આવી હતી અને જાહેર સલામતીના કારણોથી આ વિસ્તારમાં અનધિકૃત લોકો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી. મનપાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ગઈ કાલે સોમવારે નદીના પટમાં કાચા છાપરાવાળા મકાનોને પ્રાથમિકતા આપીને એને દુર કર્યા, સાથે ટીપી રોડ પરના દબાણો દૂર કરવાનું ચાલુ કરી દીધેલું. કાલે 1509માંથી 1119 મકાનોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. એ પછી એવા મકાનો બાકી રાખવામાં આવ્યા હતા, જે પાકા સ્લેબવાળા, ગ્રાઉન્ડ પ્લસ વન અને ગ્રાઉન્ડ પ્લસ ટુ અને ગ્રાઉન્ડ પ્લસ ફોર સુધીના મકાનો જંગલેશ્વર વિસ્તારમાં મળ્યા, એ બધાના ડિમોલીશન મંગળવારે બીજા દિવસે હાથ ધરવામાં આવ્યા હતા. ડિમોલીશનની સંપૂર્ણ કામગીરી સાંજે સુધીમાં સમાપ્ત કરવામાં આવી હતી.
કાલથી રોડ મેપીંગ અને પેવર કામ
મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્ર્વરમાં ગઇકાલથી ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે ગઇકાલે રાત્રીના પૂર્ણ થતા આજે ટીપીનો બાંધકામ વેસ્ટ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રાત સુધીમાં સફાઇ સહિતની કામ પૂર્ણ થયા બાદ નદીકાંઠા વિસ્તારમાં કાટમાળ અને સફાઇ થયા બાદ દિવાલ ચણવામાં આવશે. પરંતુ ટીપી રોડ ઉપરથી ડિમોલીશન કરવામાં આવેલ 447 મકાનોનો કાટમાળ દુર કરી સફાઇ કર્યા બાદ આવતીકાલથી રોડ પહોળો કરવા માટે પીજીવીસીએલ સાથે સંકલન સાધી રોડ મેપીંગ કરવામાં આવશે અને ત્યારબાદ પેવર રોડની કામગીરી યુધ્ધ ધોરણે શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળેલ છે.
