જૂનાગઢના ડ્રાઇવરની ચાલુ બસે ફોન પર વાત કરતા સસ્પેન્ડ, વેરાવળના ડ્રાઇવરની બદલી

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં: જૂનાગઢ વિભાગીય નિયામક જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારી સામે તંત્રએ…

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં: જૂનાગઢ વિભાગીય નિયામક

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી ગંભીર બેદરકારી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરનારા અને શિસ્તભંગ કરનારા બે ડ્રાઈવરોને જૂનાગઢ વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી નિગમના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

જૂનાગઢથી વિસાવદર રૂૂટ પર બસ ચલાવતી વખતે ડ્રાઈવર દિલીપ આર. કોટીલા (બેજ નંબર 498) સતત મોબાઈલ ફોન પર વાતચીત કરવામાં મશગૂલ હતા. એક હાથે સ્ટીયરિંગ અને બીજા હાથે મોબાઈલ પકડીને બસ ચલાવતા ડ્રાઈવરની આ જોખમી હરકત જોઈ મુસાફરો ફફડી ઉઠ્યા હતા. કોઈ જાગૃત મુસાફરે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો, જેના આધારે વિભાગીય નિયામકે તપાસ કરાવી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી પોરબંદર ડેપો ખાતે ખસેડી દીધા છે.

બીજી તરફ, વેરાવળ ડેપોના ડ્રાઈવર રાજેશ જે. નિમાવત (બેજ નંબર 17427) સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. ફરજ દરમિયાન ડેપો મેનેજર સાથે ગેરવર્તણૂક અને મિસબિહેવિયર કરવા બદલ તેમને પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને શિક્ષાત્મક પગલાં રૂૂપે વેરાવળથી ઉપલેટા ડેપો ખાતે મૂકી દેવામાં આવ્યા છે. આ બંને કેસમાં હવે નિગમ દ્વારા વધુ તપાસ કરી ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરે આ અંગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, મુસાફરોની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. અધિકારી, સુપરવાઈઝર કે કર્મચારી દ્વારા કરવામાં આવતી કોઈ પણ પ્રકારની અનિયમિતતા કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન સાંખી લેવામાં આવશે નહીં. તમામ કર્મચારીઓએ ફરજ દરમિયાન નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *