કલેકટરને આવેદનપત્ર પાઠવી સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવા માંગ
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા જૂનાગઢના રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચેના વિવાદે હવે નવો વળાંક લીધો છે. ગત 24 ડિસેમ્બરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હોવાના સમાચાર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ કેસમાં કડક કાયદાકીય કાર્યવાહી અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (ઙઙ ) ની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે.
થોડા સમય પૂર્વે જૂનાગઢ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ જાડેજા અને તેના સાથીદારો દ્વારા રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગણેશ ગોંડલ સહિત 7 થી વધુ શખ્સો સામે ઈંઙઈ ની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. દલિત સમાજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી અને આરોપીઓની ધરપકડ માટે મોટા પાયે આંદોલનો પણ થયા હતા.
તાજેતરમા સોશિયલ મીડિયા પર ગણેશ જાડેજા અને ફરિયાદી પક્ષ એટલે કે રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાના સમાચાર વહેતા થયા હતા. આ બાબતે અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોનું કહેવું છે કે, એટ્રોસિટી એક્ટ એ સામાજિક સુરક્ષા માટેનો કાયદો છે અને તેમાં વ્યક્તિગત રીતે સમાધાન કરવાની કોઈ જોગવાઈ નથી. સમાજનું માનવું છે કે આ પ્રકારના ગંભીર ગુનામાં જો સમાધાન સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં ગુનેગારોનો ભય ઓછો થઈ જશે.
જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડીયાએ જણાવ્યું હતું કે, અમે કલેક્ટરને આવેદન આપી માંગ કરી છે કે આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવે. સોશિયલ મીડિયામાં જે સમાધાનના વીડિયો વાયરલ થયા છે, તેને પણ પુરાવા તરીકે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી કાયદાકીય પ્રક્રિયામાં કોઈ બાંધછોડ ન થાય. આરોપીઓને નમૂનારૂૂપ સજા થાય તે અત્યંત જરૂૂરી છે.
