જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા અને દુધ વેચાણનો વ્યવસાય કરતા એક યુવાને પોતાના મિત્ર સામે વિશ્વાસઘાત, મારામારી, ધમકી અને રોકડ રકમ બળજબરીથી પડાવી લેવાની ગંભીર ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
ફરિયાદી સલેમાન યુસુફભાઈ ખુરેશી (ઉ.વ. 32), (રહે. શંકરટેકરી, શાસ્ત્રીનગર, જામનગરે) પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2025 દરમિયાન મકાન ખરીદવા માટે નાણાંની જરૂૂરિયાત ઉભી થતાં તેમણે પોતાના મિત્ર વસીમ ઉર્ફે બંટી હાજીભાઈ ખફી સાથે ચર્ચા કરી હતી. આરોપીએ દાગીના વેચવાને બદલે તેના પર ગોલ્ડ લોન કરાવવાની સલાહ આપી હતી. તે મુજબ અંદાજે ચાર તોલા જેટલા સોનાના દાગીના ગુરુદ્વારા ચોકડી નજીક આવેલી આઈ.ટી.આઈ. શાખામાં ગીરવે મૂકીને લોન લેવાઈ હતી. બાદમાં ફરિયાદીને જાણ થઈ કે દાગીના તેમની જાણ બહાર આરોપીના નામે ગીરવે મૂકીને રૂૂ. 1.85 લાખની ગોલ્ડ લોન લેવામાં આવી હતી. ફરિયાદી દ્વારા લોનની ભરપાઈ માટે રૂૂ. 1.85 લાખની રકમ આરોપીને આપવામાં આવી હોવા છતાં તે રકમ બેંકમાં જમા કરવામાં આવી ન હોવાનું બહાર આવ્યું હતું.
આ મામલે અગાઉ પોલીસમાં અરજી થતાં બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને આરોપીએ ગોલ્ડ લોન ભરી દાગીના છોડાવી પરત આપવાની ખાતરી આપી હતી. જોકે લાંબો સમય વીતી જવા છતાં દાગીના પરત ન મળતાં ફરિયાદી દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી રહી હતી. ફરિયાદ મુજબ, ગત 3 જૂનના રોજ સાંજે આશરે સાત વાગ્યાના સમયે સલેમાનભાઈ દુધ વેચાણ માટે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે શંકરટેકરી વિસ્તારમાં આરોપી વસીમ પોતાના મોટરસાયકલ સાથે આવી તેમને રોકી દીધા હતા. દાગીના પરત આપવાની બાબતે પૂછપરછ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝાપટ મારી હતી.
આરોપીએ “દાગીનાની માંગણી કરશો તો જીવતા નહીં રહેવા દઉં” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં, ચૂંટણીમાં ઉભા રહેવાના ખર્ચાનો ઉલ્લેખ કરી ફરિયાદીના ખિસ્સામાં રહેલી અંદાજે રૂૂ. 4,200ની રોકડ રકમ બળજબરીપૂર્વક કાઢી લઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ફરિયાદના આધારે પોલીસે આરોપી વસીમ ઉર્ફે બંટી હાજીભાઈ ખફી સામે વિશ્વાસઘાત, મારામારી, ધમકી તથા લૂંટ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂૂ કરી છે.
