રિક્ષા મુસાફરી દરમિયાન મહિલાના થેલામાંથી રૂ.1.69 લાખના દાગીના અને રોકડની ચોરી

રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાના થેલામાંથી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ ભરેલું પાકીટ…

રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલી એક મહિલાના થેલામાંથી અજાણ્યા તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ ભરેલું પાકીટ સેરવી લીધું હતું. આ અંગે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે.

મળતી વિગતો અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અલઉ ગામે રહેતા જબુબેન ગગજીભાઈ બોળીયા (ઉંમર વર્ષ 40) ગત તારીખ 04 જૂન 2026ના રોજ રાજકોટના શાસ્ત્રીનગરમાં રહેતા તેમના ભાઈના ઘરે એક પ્રસંગમાં આવ્યા હતા. તારીખ 05 જૂન 2026ના રોજ સવારે આશરે સાડા નવ વાગ્યાની આસપાસ તેઓ પોતાના વતન પરત ફરવા માટે રામાપીર ચોકડીથી રિક્ષામાં બેસીને એસ.ટી. બસ સ્ટેશન જવા નીકળ્યા હતા. રિક્ષા પ્રવાસ દરમિયાન તેમણે રિક્ષાનું ભાડું ચૂકવવા માટે પોતાના થેલામાંથી પાકીટ કાઢી 30 રૂૂપિયા આપ્યા હતા અને પાકીટ ફરીથી થેલામાં મૂકી દીધું હતું. જોકે, જ્યારે તેઓ એસ.ટી. બસ સ્ટેશન પહોંચ્યા અને દુકાનેથી નાસ્તો ખરીદીને થેલામાં મૂકવા ગયા, ત્યારે તેમનું પાકીટ ગાયબ જણાતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

ચોરી થયેલા આ પાકીટમાં આશરે પાંચ તોલાનું સોનાનું મંગળસૂત્ર જેની કિંમત ₹1,50,000/-, આશરે 4 ગ્રામની સોનાની વીંટી જેની કિંમત ₹12,000/- અને ₹7,000/- રોકડા રાખેલા હતા. આમ, કુલ ₹1,69,000/- ની મતાની ચોરી થતાં મહિલાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી પરંતુ પાકીટ ન મળતા આખરે તેમણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો.પીએસઆઇ ટી.ડી. જાડેજાએ આ ફરિયાદ નોંધીને આગળની તપાસ એએસઆઈ ચેતનસિંહ ગોહિલને સોંપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *