મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ઉપવાસ આંદોલનના 13 માં દિવસે મંગળવારે રાત્રીના વધુ એક ઉપવાસીની તબિયત લથડી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આજે બુધવારે આંદોલનનાં 14 માં દિવસે વકીલોએ રેલી કાઢી સમર્થન આપ્યું હતું તે ઉપરાંત જીવાપર ગામથી 50 ટ્રેક્ટર રેલી સાથે ખેડૂતો સમર્થનમાં પહોંચ્યા હતા.
મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર મુદે ખેડૂતો દ્વારા 13 દિવસથી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યા છે આજે ઉપવાસ આંદોલનનો 14 મો દિવસ છે દરમિયાન 13 માં દિવસે મોડી સાંજના સમયે ઉપવાસ પર બેસેલા વાંકિયા ગામના મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયાની તબિયત લથડી હતી સવારથી ઉપવાસ કરી રહેલા મહેશભાઈની તબિયત રાત્રીના બગડી હતી જેથી સારવાર માટે જેતપર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જેતપર ઉપવાસ આંદોલનને ગામોગામથી સતત સમર્થન મળી રહ્યું છે આજે જીવાપર ગામથી ખેડૂતો 50 થી વધુ ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂૂપે જેતપર પહોંચ્યા હતા અને ઉપવાસી છાવણીની મુલાકાત લઈને આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.
મોરબી જીલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ દ્વારા આજે મોરબીથી જેતપર સુધી રેલી યોજવામાં આવી હતી વકીલો સફેદ શર્ટ અને કાળા પેન્ટ સાથે વકીલોના પોશાકમાં રેલીમાં જોડાયા હતા રેલી સ્વરૂૂપે જેતપર ગામે પહોંચીને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતુંજેતપર ઉપવાસી છાવણીમાં હકાભા ગઢવીને આવવાનો ઇનકાર કર્યાના આક્ષેપો હકાભા ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે આગેવાનને ફોન કરતા ના આવતા તેવો જવાબ મળ્યો હતો હકાભા ગઢવીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ડાયરો કર્યો હતો એટલું જ નહિ ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું તો હકાભા ગઢવીને ઉપવાસી છાવણીમાં આવવાની ના કહેવા અંગે આંદોલનકારી નીલેશ એરવાડિયાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે હકાભાને કોઈ ગેર સમજ થઇ હશે ફોન કર્યો ત્યારે સમિતિની બેઠક ચાલુ હતી જેથી ના પાડી હતી હકાભા ગઢવી આંદોલનને સમર્થન આપે છે અને ઉપવાસી છાવણી તેમને હમેશા આવકારે છે.
હળવદ માર્કેટ યાર્ડ સ્વયંભૂ બંધ, વેપારીઓ રેલી કાઢી જેતપર પહોંચ્યા
મોરબી જિલ્લાના હળવદ માર્કેટ યાર્ડથી લઈને જેતપર ગામે આવેલ આંદોલનકારીઓની ઉપવાસી છાવણી સુધી હળવદના વેપારીઓ અને ખેડૂતોની બાઈક અને કાર રેલી યોજાઇ હતી અને તેમાં અંદાજે 1200 થી 1500 જેટલા લોકો જોડાયા હતા અને આ રેલી નીકળી હતી ત્યારે હળવદથી લઈને જેતપર ગામ સુધીનો માર્ગ જય જવાન, જય કિસાનના નારાથી ગુંજી ઉઠ્યો હતો. મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને ગામો ગામથી ખેડૂતો સહિતના લોકોનું સમર્થન મળી રહ્યું છે અને રોજ મોટી સંખ્યામાં મહિલાઓ, ખેડૂતો, વિવિધ સમાજ અને સંગઠનના લોકો ઉપવાસી છાવણી ખાતે આવતા હોય છે અને ત્યાં ખેડૂતો દ્વારા પોતાના હક માટે જે લડાઈ કરવામાં આવી રહી છે તેને સમર્થન આપતા હોય છે આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભુ રીતે સવારથી જ માર્કેટ યાર્ડ બંધ રાખવામાં આવ્યું હતું અને સાંજે 5:00 વાગ્યે હળવદ માર્કેટ યાર્ડ ખાતેથી બાઈક અને કાર સાથે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીને જેતપર ગામે આવેલ ઉપવાસીઓની છાવણી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.
