હાલ દરખાસ્ત પેન્ડિંગ, તમામ બિલનું પોસ્ટમોર્ટમ કરી કાજુકતરી અને ખજૂર રોલ જેવા ખાણીપીણીના ખર્ચા નામંજૂર થઇ શકે છે
સાઉથ એશિયાની ઇકલી સંસ્થા પાસે અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરાવવા રૂ.18 લાખનો ખર્ચ પણ નામંજૂર કરવામાં આવ્યો
રાજકોટ મનપાના તંત્રના અધિકારી, કર્મચારી કે પછી ચૂંટાયેલા નગરસેવકોને જનતાના ખર્ચે ઠાઠમાઠ ભોગવવાની તક મળતી હોય તો લખલૂટ ખર્ચે ભોગવવામાં કોઇ કસર છોડતા નથી. ધિક્કારની વાત તો ત્યા છે કે, ડિમોલિશન જેવા પ્રસંગોમાં પણ મીજબાની માણવા જેવી ખાંઉધરી દાનત છોડતા નથી.
જંગલેશ્વર ડિમોલિશન વખતે જ્યા એકબાજુ બેઘર થયેલા સેંકડો લોકો ચોધાર આસુએ રડતા હતા. અસરગ્રસ્તોની આવી પીડા વચ્ચે પણ ડિમોલિશનમાં રોકાયેલા મનપાના અધિકારીઓ-કર્મચારીઓએ કાજુકતરી, ખજુર રોલ સાથે જમવાની જાજરમાન ડીશની જિયાફત ઉડાવી હતી. ડિમોલિશન જેટલા દિવસ ચાલ્યુ તેટલા દિવસ આવી જ મીજબાની માણી. અધધધ.. એવો રૂૂ.27 લાખની જિયાફત કરવામા આવી હતી એ આ ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડીંગ કમિટીમાં આવતા શાસકોના ગળે હાડકુ ફસાયુ છે. આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં ખર્ચ મંજૂરીની દરખાસ્ત આવી હતી. જો કે હાલ પુરતુ તો આ ખર્ચને મંજૂરી આપવામા આવી નથી. જે બીલ મુકવામા આવ્યા છે તેનુ પોસ્ટમોર્ટમ કરાયા બાદ જ નિર્ણય લેવાશે તેવો ઠરાવ કરીને દરખાસ્ત પેન્ડીંગ રાખી દેવામા આવી છે. જ્યારે અન્ય દરખાસ્તમાં શહેરમાં હરીયાળી કઇ રીતે વધારવી તેના માટે અર્બન ગ્રીનીંગ પોલીસીનો 18 લાખનો ખર્ચ પણ નામંજૂર કરી દેવામા આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 21 થી 27 ફેબ્રુઆરી સુધી જંગલેશ્ર્વરમાં ચાલેલા મેગા ડિમોલિશનમાં મેન પાવર અને મશીન પાવરનો ભરપૂર ઉપયોગ કરાયો હતો. ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા, પોલીસ સ્ટાફ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન દરમિયાન કરાયેલી વ્યવસ્થા મુજબ ચા કોફી, બિસ્કિટ કાજુ કતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા વેફર્સ ગાંઠિયા જલેબી પૌઆ, અને સ્પેશ્યલ લંચ ડીસ તેમજ મસાલા છાશ પાછળ થયેલા રૂૂ. 27,20,946નો ખર્ચ મંજૂર કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી હતી.
જંગલેશ્વરમાં નજર સામે આશિયાનો કડડભૂસ થતો હતો. બાળકો, વૃધ્ધોની મનોદશા એ હતી કે હવે ક્યા આસરો લેવા જશુ? કોણ સાચવશે? પેટનો ખાડો પુરવા ક્યા જવુ? આ બધી પીડા વચ્ચે ડિમોલિશનના સ્ટાફને ફટ કહેવુ પડે તેવી એક માનવતાવિહોણી હકિકત સામે આવી છે. ડિમોલિશન જેટલા દિવસો ચાલ્યુ એટલા દિવસોમાં બેઘર પરિવારોના આક્રંધ વચ્ચે કાજુ કતરી, ખજુર રોલ, સમોસા, ખમણ સહિતની વાનગીઓની જિયાફત ઉડતી હતી. પ્રેમવતીમાંથી 13390 ડીસ સ્પેશ્યલ લંચ અને મસાલા છાશ તેમ ચાર હજાર નંગ લીંબુ આદુ સરબત બોટલ સહિત કુલ રૂૂ.20,68,500નો ખર્ચ થયો હતો.
આ બન્ને મળીને કુલ રૂૂ. 27,20,946નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગમાં આ ખર્ચ મંજૂર કરવા માટેની દરખાસ્ત રજૂ થઇ હતી. શાસકો માટે આ ખર્ચ ગળાનું હાટકુ હોય હાલ પુરતુ તો ખર્ચ મંજૂર કરવામા આવ્યો નથી. તમામ બીલ બારીકાઇથી ચકાસ્યા પછી જ નિર્ણય લેવામા આવશે તેમ કહી સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળિયાએ દરખાસ્ત પેન્ડીંગ રાખી છે.
જ્યારે અન્ય દરખાસ્તમાં રાજકોટ મહાપાલિકા દ્વારા અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવાનું કામ ખાનગી એજન્સી પાસે કરાવવાની દરખાસ્ત નામંજૂર કરવામા આવી છે. અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવાના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા ઇકલી એજન્સીને 18.88 લાખના ખર્ચે કામ આપવા દરખાસ્ત મુકવામાં આવી હતી. આ નીતિ બનાવવા માટે બીજી એજન્સી ઓરનેટ ગેરલાયક ઠરતા સાઉથ એશીયા ઇકલીને કામ આપવા ટેન્ડર મૂલ્યાંકન સમિતિએ અભિપ્રાય આપ્યો હતો. તેના પરથી જીએસટી સહિત આ એજન્સીને રીપોર્ટ બનાવવા 18.88 લાખના ખર્ચે કામ આપવાની દરખાસ્ત હતી.
મચ્છર મારવા 85.43 લાખના ખર્ચની દરખાસ્ત પેન્ડિંગ
મનપાના ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં શહેરના વોંકળા, નદી કાંઠા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે ડ્રોનની મદદથી દવા છંટકાવ કરવા માટેની યોજના મુકવામા આવે છે. આ કામ માટે રૂૂ.85 લાખ 43 હજારના ખર્ચે દ્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી માટે સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત આવી હતી. દાવો એવો કરવામા આવ્યો છે કે, 162 ચો.મી. વિસ્તારમાં લગભગ 500 કલાક સુધી ડ્રોનથી દવા છંટકાવનું કામ ચાલુ રાખવામા આવશે અને તેનો 85 લાખ જેટલો ખર્ચ થશે. વધુ અભ્યાસ માટે નિર્ણય લઇ સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયાએ દરખાસ્ત પેન્ડીંગ રાખી દીધી છે.
કાર્યક્રમના બિલ બે મહિનાથી વધુ મોડા મૂકાશે તો થશે નામંજૂર
પાછલા બારણે દરખાસ્ત ગળકાવવાની સિસ્ટમ બંધ
રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ વિવિધ ખર્ચની દરખાસ્તો ગળકાવીદેવાની બુધ્ધિપૂર્વકની પધ્ધતીને સ્ટેન્ડિંગ કમિટિએ બ્રેક મારી માર્ગદર્શિકા નક્કી કરી છે. નવી પધ્ધતી મુજબ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવતા જુદા જુદા કાર્યક્રમોના બિલો સંબંધિત કાર્યક્રમ પૂર્ણ થયાના વધુમાં વધુ 02(બે) મહિનાની સમયમર્યાદામાં નિર્ણય અર્થે સ્થાયી સમિતિમાં અચૂકપણે રજુ કરવાના રહેશે.
જો નાણાકીય વર્ષ પૂરું થતું હોય, તો ત્યારબાદના નાણાકીય વર્ષના શરૂૂઆતના વધુમાં વધુ 01(એક) મહિનામાં સંબંધિત બિલ નિર્ણય અર્થે સ્થાયી સમિતિમાં અચૂકપણે રજુ કરવાના રહેશે. સમયમર્યાદા વીત્યા બાદ નિર્ણય અર્થે સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવેલ કોઈ પણ બિલ સ્વીકારવામાં આવશે નહી. એટલે કે, તે બાબતને નાણાકીય ગેરશિસ્ત ગણી, તેવા કોઈ પણ બિલનું ચૂકવણું કરવાનું સ્થાયી સમિતિમાં મંજુર કરવામાં આવશે નહી.
કોઈ ખાસ કિસ્સામાં ઉક્ત (1),(2)માં દર્શાવ્યા મુજબની સમયમર્યાદા બાદ કોઈ બિલ નિર્ણય અર્થે સ્થાયી સમિતિમાં રજુ કરવાના થાય તો તેવા કિસ્સામાં સંબંધિત બિલ વિલંબથી રજુ થવા અંગેના પુરતા અને વ્યાજબી કારણો, બિલ વિલંબથી રજુ થવા માટે જવાબદાર તમામ કર્મચારી/અધિકારીઓની વિગતો અને તેઓ તમામના ખુલાસા સહ સંબંધિત બિલ નિર્ણય અર્થે સ્થાયી સમિતિમાં રજુ કરવાનું રહેશે. સ્થાયી સમિતિ સમક્ષ રજુ થયેલ સંબંધિત બિલ વિલંબથી રજુ થવા અંગેના કારણો, વિલંબ માટે જવાબદાર સ્ટાફની વિગતો અને સંબંધિત સ્ટાફના ખુલાસા સ્થાયી સમિતિને સંતોષકારક માલૂમ પડડ્યેથી જ સ્થાયી સમિતિ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે..
