જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે થયેલી ડીલ જામનગરના ઈતિહાસની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ બની રહી છે. જામસાહેબે કરોડોની પ્રોપર્ટી અદાણીને પાણીના ભાવે વેચી છે. જેની જાહેરાત જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી છે. અંદાજે રૂૂપિયા 6692 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રોપર્ટી માત્ર રૂૂપિયા 219 કરોડમાં આપવામાં આવી.
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબરી યાદીમાં જણાવ્યું કે, અંદાજે રૂૂપિયા 6692 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રોપર્ટી રૂૂપિયા 219 કરોડમાં વિકાસ કામો માટે આપી છે. આ સાથે જ અદાણી કંપનીની હાઈવુડ ઇન્ફ્રા સ્પેસ પ્રા.લિ. સાથે થયેલા કરારની વિગતો જાહેર કરાઈ છે.
6692 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રોપર્ટી માટે માત્ર 219 કરોડ જામસાહેબે લીધા. ત્યારે આ કરાર વિશે સ્પષ્ટતા કરતા જામસાહેબે કહ્યું કે, હવે હું આ સ્પષ્ટતા એમ કહીને સમાપ્ત કરીશ કે દસ્તાવેજોમાં શું લખ્યું છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી; હું કોની સાથે વ્યવહાર કરી રહ્યો છું તેના પર મને પૂર્ણ વિશ્વાસ છે અને અમને શું કરવાનું છે તેની સ્પષ્ટ સમજ છે.
આ સ્પષ્ટતા મુજબ એમ.ઓ.યૂ. હેઠળ આવતી તમામ મિલ્કતો વિકાસ માટે હાઇવુડ્સ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે. સાથે જ જામસાહેબને આ મિલ્કતોના દસ્તાવેજોના આધારે અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ માટે ફંડ એકત્રિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ ફંડ એકત્રિત કરવાની પ્રક્રિયા હાઇવુડ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોમાં કોઈપણ પ્રકારની અડચણ ઉભી કરશે નહીં.
દસ્તાવેજમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ફંડ રેઇઝિંગ પ્રક્રિયા હાઇવુડ્સ કંપની પર કોઈ આર્થિક કે અન્ય પ્રકારનો બોજ ઊભો કરતી નથી. વિકાસ કામગીરી અને ફંડ એકત્રિત કરવાની બંને પ્રક્રિયાઓ પરસ્પર સ્વતંત્ર રીતે અને સુચારૂૂ રીતે આગળ વધી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જામસાહેબ દ્વારા આપવામાં આવેલી મિલ્કતો લગભગ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ પ્રક્રિયામાં માત્ર કાનૂની જરૂૂરીયાત મુજબ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. કેટલીક મિલ્કતોમાં માર્કેટ વેલ્યુના અંદાજે માત્ર 3 ટકા જેટલા દરે દસ્તાવેજીકરણ થયું હોવાનું દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે, જે સામાન્ય વેચાણ નહીં પરંતુ કાનૂની પ્રક્રિયાનો એક ભાગ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
