જામનગર: દરેડ જીઆઈડીસીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ; ગૌશાળાની ગાયો પર સંકટ

જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કચરાના એક મોટા ઢગલામાં રવિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના…

જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કચરાના એક મોટા ઢગલામાં રવિવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

આગનું સ્થળ ’મા દર્શન ગૌશાળા’ને અડીને હોવાથી ગૌશાળામાં રહેલી ગાયોના જીવ પર પણ સંકટ ઊભું થયું છે. આગમાંથી નીકળતા ગાઢ ધુમાડાના કારણે ગાયો શ્વાસ લેવામાં તકલીફ અનુભવતી હોવાનું અને ગૌશાળામાં દોડધામ મચી હોવાનું જાણવા મળ્યું છે. ગૌશાળાના સંચાલકોએ ચિંતા વ્યક્ત કરી છે કે સમયસર આગ પર કાબૂ નહીં મેળવાય તો મૂંગા પશુઓને ગંભીર નુકસાન પહોંચી શકે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ દરેડ જીઆઈડીસી વિસ્તારનો કચરો આ સ્થળે એકત્ર કરવામાં આવે છે. જોકે આ કચરાના ઢગલામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં તેના કાયમી નિવારણ માટે અસરકારક પગલાં લેવામાં આવતા નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે આસપાસના ઉદ્યોગકારો અને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે કચરાના ઢગલાને કારણે અવારનવાર આગની ઘટનાઓ સર્જાય છે, જેનાથી આસપાસના કારખાનાઓ, શ્રમિકો તેમજ ગૌશાળામાં રહેલા પશુઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે જોખમ ઊભું થાય છે.

હાલ સ્થાનિક લોકો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિકોએ જવાબદાર તંત્રને કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *