જૂનાગઢમાં ચોરી કરનાર જામનગરની ટોળકી ઝડપાઈ, ઘરેણાં ફાયનાન્સમાં મૂકી લોન લઈ લીધી હતી

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડી મકતુપુર ગામે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. સોની બજારમાં ચોરીના ઘરેણાં વટાવવા નીકળેલા…

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક સચોટ ઓપરેશન પાર પાડી મકતુપુર ગામે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. સોની બજારમાં ચોરીના ઘરેણાં વટાવવા નીકળેલા જામનગરની ગેંગના ચાર સાગરીતોને ₹4.67 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આંતરજિલ્લા તસ્કર ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકતુપુર ગામે તસ્કરોએ રાત્રિના અંધકારનો લાભ લઈ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશેલા આ રીઢા તસ્કરોએ કબાટમાંથી સોનાના કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ હતી.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કે.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.પી. ભાટી અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શંકાસ્પદ શખસો સોનીબજારમાં ઘરેણાં વેચવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક વોચ ગોઠવી ચાર શખસોને આંતર્યા હતા. કડક પૂછપરછ દરમિયાન આ શખસો ભાંગી પડ્યા હતા અને મકતુપુરમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ ચોરી કરેલા સોનાના દાગીના પૈકીનો કેટલોક હિસ્સો જામનગર ખાતે આવેલી ઈંઈંઋક ગોલ્ડ લોન કંપનીમાં ગીરવે મૂકી તેના પર રોકડ લોન પણ મેળવી લીધી હતી. પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે તસ્કરોનો આ આખો પ્લાન નિષ્ફળ ગયો છે.

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સંડોવાયેલ ગિરીરાજસિંહ પ્રવિણસિંહ ચુડાસમા રહે. મકતુપુર દિવ્યરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર, ચિરાગ ગોવિંદભાઈ ચાવડા રહે. જામનગર, પ્રવિણ ઉર્ફે પુરવ દેવશીભાઈ ચૌહાણ રહે. જામનગર વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની લક્કી, હાર, ઓમકાર અને સોનાના દાણા મળી કિંમત ₹ 3,73,000, રોકડ રકમ ₹14,500, મોબાઈલ ફોન 5 નંગ કિંમત ₹80,000 મળી કુલ ₹4,67,500 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં ચારેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ અર્થે માંગરોળ મરીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *