ક્રિકેટમાં વર્ષોથી જમ્મુ-કાશ્મીર ની ટીમને પહેલાં તો નબળી અને અન્ડરડોગ માનવામાં આવી છે, પરંતુ બુધવારે પારસ ડોગરાની કેપ્ટન્સીમાં આ ટીમે રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રથમ વખત પ્રવેશીને રાજ્ય માટે જે નવો ઇતિહાસ સર્જયો. જમ્મુ-કાશ્મીરે અહીં પાંચ દિવસની સેમિ ફાઇનલમાં ચોથા દિવસે બેંગાલની ટીમને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો કર્ણાટક સામે થશે.
ડોગરાએ પત્રકારોને કહ્યું, ‘ક્રિકેટની રમત ભલે કસોટી લેતી રહે, ખેલાડીએ દૃઢ રહેવું પડે. તેણે પોતાની ક્ષમતાથી રમતા રહેવું જ પડે. અમે એક વાર ફાઇનલમાં પહોંચીશું જ એ અમારા ભાગ્યમાં લખાયું જ હશે.’ ભૂતપૂર્વ ક્રિકેટર અજય શર્મા જમ્મુ-કાશ્મીર ટીમના કોચ છે અને ઐતિહાસિક વિજય બાદ ખેલાડીઓએ તેમને ખભા પર ઊંચકી લીધા હતા. બેંગાલે 328 રન કર્યા બાદ જમ્મુ-કાશ્મીરે 302 રન કર્યા હતા અને બીજા દાવમાં બેંગાલને માત્ર 99 રનમાં આઉટ કરીને 126 રનનો લક્ષ્યાંક ચાર વિકેટે મેળવી લીધો હતો. 1959-60ની રણજીમાં જમ્મુ અને કાશ્મીરની ટીમે પહેલી વાર ભાગ લીધો હતો, પરંતુ અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરની ટીમ ફાઈનલ સુધી પહોંચી શકી ન હતી. હાલ ચાલી રહેલી રણજી સિઝન પહેલા જમ્મુ અને કાશ્મીરે 334 રણજી મેચ રમી હતી, જેમાંથી ટીમ માત્ર 45 મેચ જ જીતી શકી હતી. રણજી ટ્રોફીમાં પ્રવેશ્યાના છેક 44 વર્ષ બાદ 1982-83માં જમ્મુ અને કાશ્મીરની ટીમ સર્વિસિસ સામે પોતાની પહેલી જીત શકી. 2013-14ની સિઝન જમ્મુ અને કાશ્મીર માટે ખાસ રહી, ટીમ પહેલીવાર ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકી હતી.
ચાલુ સિઝનમાં મુંબઈ સામે શરૂૂઆતની મેચમાં હાર બાદ, જમ્મુ અને કાશ્મીરે રાજસ્થાન, દિલ્હી અને હૈદરાબાદ સામે મોટી જીત મેળવી, ત્યાર બાદ ક્વાર્ટર-ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સેમિફાઇનલમાં જમ્મુ અને કાશ્મીરનો મુકાબલો બંગાળની ટીમ સામે હતો, જેમાં મોહમ્મદ શમી, આકાશ દીપ, મુકેશ કુમાર અને શાહબાઝ અહેમદ જેવા ચાર આંતરરાષ્ટ્રીય ખેલાડી હતાં અને ઈન્ડિયા અનો સ્ટાર બેટર અભિમન્યુ ઈશ્વરન પણ હતો. કોઈ પણ સ્ટાર ખેલાડી ન હોવા છતાં જમ્મુ અને કાશ્મીરે પશ્ચિમ બંગાળને હરાવ્યું.
