દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સિરિયલ બ્લાસ્ટ માટે જૈશ-એ-મોહમ્મદ જવાબદાર: યુએન રિપોર્ટ

સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદી સંગઠન જાહેર કરાયું, મસૂદ અઝહરની મહિલા આતંકી પાંખ અંગે પણ ચેતવણી સંયુક્ત રાષ્ટ્રના એક લેટેસ્ટ રિપોર્ટમાં ભારતની સુરક્ષાને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા…

સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદી સંગઠન જાહેર કરાયું, મસૂદ અઝહરની મહિલા આતંકી પાંખ અંગે
પણ ચેતવણી

સંયુક્ત રાષ્ટ્રના એક લેટેસ્ટ રિપોર્ટમાં ભારતની સુરક્ષાને લઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. યુએન સિક્યોરિટી કાઉન્સિલના મોનિટરિંગ રિપોર્ટ મુજબ, ગત વર્ષે નવેમ્બરમાં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટ પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, કુખ્યાત આતંકી મસૂદ અઝહરે ખાસ કરીને હુમલાઓ માટે મહિલાઓની એક અલગ પાંખ શરૂૂ કરી હોવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ સમિતિના અહેવાલ મુજબ, 9 નવેમ્બર, 2025ના રોજ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટમાં 15 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હતી. આ ઘટના બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ પણ ’વ્હાઇટ કોલર’ આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેના તાર સીધા જૈશ સાથે જોડાયેલા હતા.

રિપોર્ટમાં સૌથી ગંભીર ખુલાસો એ છે કે 8 ઓક્ટોબર, 2025ના રોજ જૈશના વડા મોહમ્મદ મસૂદ અઝહર અલ્વીએ સત્તાવાર રીતે ફક્ત મહિલાઓ માટેની એક પાંખ ‘જમાત-ઉલ-મુમિનાત’ ની સ્થાપના કરી છે. આ પાંખનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદી હુમલાઓમાં સહાય પૂરી પાડવાનો અને નવા આતંકી ઓપરેશન્સને અંજામ આપવાનો છે. યુએન મુજબ, આ મહિલા પાંખ ભારત અને અન્ય પાડોશી દેશો માટે મોટો સુરક્ષા ખતરો બની શકે છે.

યુએન રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે 28 જુલાઈના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેઓ પણ આ જ નેટવર્ક સાથે જોડાયેલા હોવાની શંકા છે. પાકિસ્તાન સ્થિત આ આતંકી સંગઠનો અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે, જેના કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધ બની ગઈ છે.

આ રિપોર્ટ જાહેર થયા બાદ ભારતના ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારો તેમજ મેટ્રો શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. ખાસ કરીને મહિલા આતંકી જૂથની સક્રિયતાને ધ્યાનમાં રાખીને ગુપ્તચર એજન્સીઓ દ્વારા દેખરેખ વધારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *