બગદાણા હુમલા પ્રકરણમાં આજે બપોરે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે SIT સમક્ષ હાજર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અધિકારીઓએ હુમલાના કાવતરા અને હુમલાખોરો સાથેના સંબંધોને લઈને પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી હતી. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી આ ઉલટતપાસમાં જયરાજ આહીરના નિવેદન નોંધવામાં આવ્યા હતા.તપાસના અંતે કચેરી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા જયરાજ આહીરે જણાવ્યું હતું કે- તપાસ અધિકારીઓએ મને જે પણ સવાલો કર્યા હતા, તેના મેં વિગતવાર જવાબ આપ્યા છે.
મેં તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને આગળ પણ પોલીસને જે કંઈ પણ જરૂૂર હશે તેમાં હું સહકાર આપીશ.ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SIT ની રચના અનેક અપડેટ સામે આવી રહ્યાં છે. શનિવારે બે પોલીસ ઈન્સ્પેક્ટરના નિવેદન લેવાયાં બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા.SIT ની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે.
બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું.બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે આ હુમલો જયરાજ આહીરના ઈશારે કરવામાં આવ્યો છે. ફરિયાદી પક્ષે SIT ને અંદાજે 15 જેટલા પુરાવાઓ સોંપ્યા છે, જેમાં કથિત રીતે ફોન રેકોર્ડિંગ અને અન્ય ડિજિટલ પુરાવાઓનો સમાવેશ થાય છે.SIT ની આ સઘન પૂછપરછ બાદ હવે આ કેસમાં મોટા વળાંક આવવાની શક્યતા છે. પોલીસ હવે જયરાજ આહીરે આપેલા જવાબો અને ફરિયાદીએ આપેલા પુરાવાઓનું ક્રોસ-વેરિફિકેશન કરી રહી છે. જો પુરાવાઓ મજબૂત જણાશે, તો આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ અથવા કડક કાર્યવાહી થઈ શકે છે.
