રાજ્યકક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મળેલી ફરિયાદોના પગલે ગૃહ સચિવનો તમામ એસ.પી.-સી.પી.ને ચેતવણી આપતો પત્ર
પોલીસ તંત્રના મનસ્વીપણાને પગલે ગુનેગારો અને અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે. જેથી સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે પણ ધક્કા થઈ રહ્યા છે. વર્ષોથી ઉઠતી પોલીસ ફરિયાદ ન લેવાની વાત હવે સાબિત થઈ ચૂકી છે. આ મામલે અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે તમામ એસપી અને પોલીસ કમિશ્નરને ચાર ફકરાનો પત્ર લખ્યો છે. અને ફરિયાદ નોંધવા તાકીદ કરી છે.
તાજેતરમાં SWAGAT(સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવ્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી)કાર્યક્રમમાં લોકોએ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતી હોવા અંગે મુખ્યમંત્રી સમક્ષ ધારદાર રજૂઆત કરી હતી. આ લોક રજૂઆતને પગલે સરકારે લેખિતમાં સ્વીકાર્યું કે પોલીસ ફરિયાદ લેતી નથી. અધિક ગૃહ સચિવ એમ.કે.દાસે આ અંગે તમામ એસપી અને પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં લખ્યું છે કે, ફરિયાદ નોંધો-તપાસ કરો અને ફરિયાદનો નિકાલ કરો. જો ફરિયાદ નહીં નોંધવામાં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.
એફઆઈઆર ન નોંધવા પર અસરકારક દેખરેખનો અભાવ ધરાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓના બિન-ગંભીર વલણ અંગે ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આવી છે અને સાચા અરજદારોને હેરાન કરવામાં આવે છે, તેની ફરિયાદ વણઉકેલાયેલી રહે છે. તાજેતરના SWAGATમાં પણ, એવું જણાયું હતું કે કેટલાક વરિષ્ઠ અધિકારીઓ આ બાબતની હિમાયત કરી રહ્યા હતા, જાણે કે તેઓ સાચા ફરિયાદીને બદલે અન્ય પક્ષનો બચાવ કરતા હોય.
26/12/2024ના રોજ યોજાયેલા તાજેતરના SWAGATમાં વાત સામે આવી હતી, તે સંબંધિત તમામCPs/SPs કે જેમની SWAGAT દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી, તે તમામ મુદ્દે FIR નોંધશે અને આજે જ આ ઓફિસને જાણ કરશે.
અધિક ગૃહસચિવના પત્રમાં શું છે?
ગુડ ગવર્નન્સ ડે પર, માનનીય મુખ્યમંત્રી એ SSWAGAT-2.0 ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂૂ કર્યો છે. આથી તમામને ફરિયાદના નિકાલ માટે સમય મર્યાદાનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. SSWAGAT-2.0 એસ્કેલેશન મેટ્રિક્સ ધરાવે છે અને જો તેને યોગ્ય સ્તરે ઉકેલવામાં નહીં આવે, તો તે આપમેળે વધશે. આથી તમામ વરિષ્ઠ અધિકારીઓને આપેલ સમય મેટ્રિક્સની અંદર ફરિયાદનું તાત્કાલિક ધ્યાન રાખવા સૂચના આપવામાં આવે છે. હું તમામ CPs/SPsને વિનંતિ કરું છું કે સમય મર્યાદામાં તમામ ફરિયાદોનું અસરકારક અને યોગ્ય રીતે નિવારણ કરવામાં આવે, તમામ FIR તાત્કાલિક નોંધવામાં આવે, કેસોની તપાસ કરવામાં આવે અને કાયદા અનુસાર નિકાલ કરવામાં આવે. એફઆઈઆર નોંધવામાં હેતુપૂર્ણ વિલંબના કોઈપણ દાખલાને ગંભીરતાથી જોવામાં આવશે અને કડક પગલાં લેવાશે.
