સુરત-વલસાડ-રાજકોટમાં બે બિલ્ડર ગ્રુપ ઉપર આઈ.ટી.ના દરોડા

સુરતમાં પ્રખ્યાત આર્કીટેકટ ઈશ્ર્વરગેહીને ત્યાં હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં રાજકોટની આર્યા કલબનું કનેકશન ખુલ્યું લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પણ ઝપટે ચડયું, ભાગીદારોના ઓફિસ-નિવાસ-રિસોર્ટ સહિત 35 સ્થળે…

સુરતમાં પ્રખ્યાત આર્કીટેકટ ઈશ્ર્વરગેહીને ત્યાં હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં રાજકોટની આર્યા કલબનું કનેકશન ખુલ્યું

લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પણ ઝપટે ચડયું, ભાગીદારોના ઓફિસ-નિવાસ-રિસોર્ટ સહિત 35 સ્થળે તપાસ

સુરતમાં સ્થાઈ થયેલા મુળ રાજકોટનાં પ્રખ્યાત આર્કીટેક ઈશ્ર્વરગેહીના સુરત સ્થિત યુનિવર્સલ ગ્રુપ ઉપરાંત લક્ષ્મી ડાયમંડ ગ્રુપ સહિતના રિયલ એસ્ટેટના મોટા માથાઓને ત્યાં આજે સવારથી જ આવકવેરા વિભાગે દરોડાનો દોર શરૂ કર્યો છે અને તેમાં ઈશ્ર્વરગેહી ગ્રુપનું કનેકશન રાજકોટ ખુલતાં રાજકોટમાં પણ ઈન્કમટેક્ષ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

આજે સવારથી સુરત ઉપરાંત વલસાડ અને રાજકોટ સહિતના સ્થળોએ 35 થી વધુ સ્થળોએ ઈન્કમટેક્ષ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આર્કીટેક અને બિલ્ડર એવા ઈશ્ર્વરગેહીના ઘર, ઓફિસ તેમજ તેમનાં ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી અને જરૂરી દસ્તાવેજો તપાસવાનું શરૂ કર્યું છે. આ સિવાય લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ગજેરા બંધુઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતાં. તપાસ બાદ મોટી કરચોરી ખુલે તેવી શકયતા છે.

માર્ચ એન્ડીંગ પૂર્વે ઈન્કમટેક્ષ વિભાગે કર ચોરોની તપાસ કરવા દરોડા પાડવાનું શરૂ કર્યું છે. થોડા સમય પૂર્વે બિલ્ડર ગ્રુપ ઉપર તપાસ બાદ નવા વર્ષે ચાલુ માસમાં જ ઈન્કમટેક્ષ વિભાગે બીજુ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજકોટનાં પ્રખ્યાત આર્કીટેક ઈશ્ર્વરગેહી કે જે થોડા સમય પૂર્વે જ રાજકોટથી સુરત સ્થાયી થયા હોય તેમના યુનિવર્સલ બિલ્ડર ગ્રુપ તેમજ ડાયમંડ તથા રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લક્ષ્મી ડાયમંડ ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી. સુરતમાં મોટા પ્રોજેકટ શરૂ કરનાર ઈશ્ર્વરગેહીના સુરત ખાતે એરપોર્ટ પાસે સાંઈ મંદિર નજીક ડુમ્સ રોડ પર પ્રોજેકટ ચાલી રહ્યો છે. તેમજ સુરતના અલગ અલગ અન્ય વિસ્તારોમાં લકઝરીયર્સ વિલા તેમજ હાયરાઈઝ એરપોર્ટમેન્ટ તેમજ કોમર્શિૈયલ કોમ્પલેક્ષ સહિતનાં પ્રોજેકટ કરનાર ઈશ્ર્વરગેહીને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી.

સુરતમાં અલગ અલગ 33 જગ્યાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત ખાતે આર્કીટેક અને બિલ્ડર ઈશ્ર્વરગેહીને ત્યાં હાથ ધરેલ સર્ચ ઓપરેશન દરમિયાન આ ઈન્કમટેક્ષના દરોડાનું કનેકશન રાજકોટ સુધી ખુલ્યું હતું. રાજકોટનાં ભાગોળે આવેલા આર્ય રિસોર્ટ એન્ડ કલબના માલિક ઈશ્ર્વરગેહી હોય રાજકોટના અલગ અલગ તેમના ભાગીદારોને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આજ રીતે લક્ષ્મી ડાયમંડ ગ્રુપના ગજેરા બંધુઓ ઉપરાંત તેમના અન્ય ભાગીદારોના ઓફીસો તથા નિશાન સ્થાનો પર તપાસ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. આ ઓપરેશનમાં રાજકોટ, અમદાવાદ અને સુરતના ઈન્કમટેક્ષ વિભાગનાં 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

આજે સવારથી શરૂ થયેલા રાજકોટ ખાતેનાં ઓપરેશનમાં રાજકોટ ઈન્કમટેક્ષ વિભાગનાં અધિકારીઓ દ્વારા આર્ય કલબ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે સાંજથી સુરતમાં હાથ ધરાયેલા ઓપરેશન બાદ રાજકોટમાં તપાસમાં અનેક મોટા માથાઓ કે જેઓ આર્કીટેક ઈશ્ર્વરગેહી સાથે જોડાયેલા છે તેમનું બીપી વધી ગયું છે. ભૂતકાળમાં રાજકોટમાં અનેક પ્રોેજેકટમાં આર્કીટેક તરીકે જોડાયેલા રાજકોટનાં સૌથી મોંઘા આર્કીટેક એવા ઈશ્ર્વરગેહીને ત્યાં તપાસમાં ઈન્કમટેક્ષ વિભાગે શંકાસ્પદ દસ્તાવેજો કબજે કર્યા છે. ઉપરાંત સુરત અને રાજકોટમાં તેમના ભાગીદારોને ત્યાં પણ તપાસમાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.

ઉપરાંત ઈશ્ર્વરગેહીના યુનિવર્સલ બિલ્ડર ગ્રુપ નામે ચાલતાં પ્રોજેકટ સાથે જોડાયેલા ફાયનાન્સરો પણ આવકવેરા વિભાગનાં ઝપટે ચડયા છે. રાજકોટ અને સુરતમાં ઈન્કમટેક્ષ વિભાગે હાથ ધરેલા આ સર્ચ ઓપરેશનમાં બેંક લોકર તેમજ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ આશરે ત્રણ થી ચાર દિવસ ચાલશે તેવું ઈન્કમટેક્ષના વિભાગનાં સુત્રો જણાવી રહ્યાં છે અને તપાસ દરમિયાન મોટી કરચોરી પણ બહાર આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *