રાજ્યના જાહેર સાહસો (PSUs) અને સરકારી કંપનીઓના વહીવટમાં લાંબા સમયથી ચાલી આવતી સ્વેચ્છાચારી પદ્ધતિ અને અધિકારીઓની બેદરકારી પર હવે રાજ્ય સરકારે લગામ કસવાની તૈયારી કરી લીધી છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કરીને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, હવેથી કોઈપણ બોર્ડ મીટિંગ કે મહત્વની બેઠક માટેનો એજન્ડા તેમાં ભાગ લેનારા તમામ અધિકારીઓને બેઠકના ઓછામાં ઓછા સાત દિવસ પહેલા મોકલી આપવો પડશે.
સામાન્ય રીતે અત્યાર સુધી એવી પ્રથા જોવા મળતી હતી કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક હોય તેના માત્ર એક દિવસ અગાઉ અથવા તો બેઠકના ગણતરીના કલાકો પહેલા જ અધિકારીઓને એજન્ડા સોંપવામાં આવતો હતો. આ પરિસ્થિતિને કારણે મીટિંગમાં ઉપસ્થિત રહેતા સભ્યો પાસે જે-તે વિષય કે મુદ્દાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે પૂરતો સમય રહેતો ન હતો. સમયના અભાવે સભ્યો વિષયને બરાબર સમજી શકતા નહોતા, જેના પરિણામે વહીવટી નિર્ણયોમાં ક્ષતિઓ રહી જતી અથવા તો ઉતાવળિયા નિર્ણયો લેવાતા હોવાનું સરકારના ધ્યાન પર આવ્યું હતું.
નાણાં વિભાગે આ બાબતને ગંભીરતાથી લઈને તમામ વહીવટી વિભાગોના વડાઓને કડક સૂચના આપી છે કે તેઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાહેર સાહસો અને સરકારી કંપનીઓમાં આ નિયમનું ચુસ્તપણે પાલન કરાવે. સૂચનામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ઓનલાઈન ટેબલ એજન્ડા અથવા છેલ્લી ઘડીએ રજૂ કરવામાં આવતા વિષયો માત્ર અપરિહાર્ય અને અપવાદરૂૂપ સંજોગોમાં જ સ્વીકારવામાં આવશે. સામાન્ય સંજોગોમાં એક અઠવાડિયા અગાઉ એજન્ડા શેર કરવો એ હવે વહીવટી અનિવાર્યતા રહેશે.
આ નવા સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કંપનીઓના કામકાજમાં વધુ પારદર્શિતા લાવવાનો અને અધિકારીઓને જવાબદારીપૂર્વક નિર્ણય લેવા માટે સજ્જ કરવાનો છે. જો સાત દિવસ અગાઉ વિગતો મળી જાય, તો સભ્યો જે-તે પ્રોજેક્ટ કે નાણાકીય બાબતોનો યોગ્ય અભ્યાસ કરી શકશે અને બેઠકમાં અર્થસભર ચર્ચા થઈ શકશે. આ નિર્ણયથી હવે સરકારી સાહસોમાં ચાલતી અધિકારીઓની મનમાની અને મનસ્વી રીતે લેવાતા નિર્ણયો પર ચોક્કસપણે બ્રેક લાગશે.
