ગાઝાના લોકો છેલ્લા ઘણા મહિનાઓથી સતત બોમ્બમારો, ભૂખમરો અને વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, માનસિક તણાવ હળવો કરવા માટે ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં મોટી સ્ક્રીન ગોઠવવામાં આવી હતી. તક હતી ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્ત અને આર્જેન્ટિના વચ્ચેની રોમાંચક મેચ જોવાની.
મેચ શરૂૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી હતી. બાળકો, યુવાનો અને વૃદ્ધો બધા જ ઉત્સાહભેર સ્ક્રીનની સામે ગોઠવાઈ ગયા હતા. પરંતુ, તે ઉત્સાહ લાંબો સમય ટકી શક્યો નહીં. અચાનક એક જોરદાર વિસ્ફોટ થયો અને આખું આકાશ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું. ઇઝરાયલી વાયુસેનાના હવાઈ હુમલાએ પળવારમાં બધું જ વેરવિખેર કરી દીધું. જે જગ્યાએ થોડી વાર પહેલા હાસ્ય અને ઉત્સાહ હતો, ત્યાં હવે લોહીના ખાબોચિયાં અને ચીસાચીસ હતી. સ્થાનિક આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોહમ્મદ અલ-વહિદી પણ સામેલ હતા.
અલ-વહિદી ગાઝામાં માત્ર એક સામાન્ય નાગરિક નહોતા, પરંતુ તેઓ મુશ્કેલ સમયમાં લોકો માટે આશાનું કિરણ હતા. તેઓ લાંબા સમયથી પ્રદેશમાં રાહત અને બચાવ કામગીરીમાં સક્રિયપણે જોડાયેલા હતા.
અલ-વહિદીની સાથે આ હુમલામાં બે માસૂમ બાળકો અને એક સ્થાનિક ટેક્સી ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો છે. આ બાળકો પણ પોતાની મનપસંદ રમત જોવાના ઉત્સાહ સાથે ત્યાં આવ્યા હતા, પરંતુ તેઓ રમત શરૂૂ થાય તે જોતજોતામાં યુદ્ધની ક્રૂરતાનો ભોગ બની ગયા.
ઇઝરાયલી લશ્કરે આ હુમલા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, મોહમ્મદ અલ-વહિદી કે અન્ય નાગરિકો તેમનો લક્ષ્યાંક નહોતા. સેનાના દાવા મુજબ, આ વિસ્તારમાં હમાસના એક સક્રિય સભ્યની હાજરીની ગુપ્ત માહિતી મળી હતી અને આ હુમલો ચોક્કસપણે તે આતંકવાદીને નિશાન બનાવીને જ કરવામાં આવ્યો હતો.
