ભાવનગરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 670 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ચિત્રા જીઆઇડીસી પ્લોટ નં.12/3 માં આવેલ મિતેશભાઇ પ્રવિણચંદ્ર શાહ ( રહે. શાલીભદ્ર એપાર્ટમેન્ટ શિલ્પીનગર, કાળાનાળા ) ની માલિકીના ગુજરાત પ્રોફાઈલ નામના પ્રોફાઈલ કટીંગના કારખાનામાંથી ગત તા.23/11,02/12 અને 04/12 ના રાત્રિના સમયે કોઈ ચોર ઈસમ ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવેલ લોખંડના સર્કલ તેમજ લોખંડના ટુકડા જેનું વજન 670 કિલો, કિં. રૂૂ. 32,160/- ની ચોરી કરી લઈ ગયા હતા. કારખાના માલિક દ્વારા સીસીટીવી કેમેરામાં તપાસ કરતા અલગ અલગ ત્રણ દિવસે રાત્રિના સમયે આ ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું.
ચોરીની આ ઘટના અંગે કારખાનાના માલિક મિતેશભાઇ પ્રવીણચંદ્ર શાહ ( રહે. એ 303, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, શિલ્પીનગર, કાળાનાળા ) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
