ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા બેભાન; ગંભીર હાલતથી નેતૃત્વનું સંકટ

ઈરાનના રાજકારણ અને મધ્ય પૂર્વના યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. ધ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ઈરાનના નવા નિમણૂક પામેલા સુપ્રીમ લીડર મોજતબા…

ઈરાનના રાજકારણ અને મધ્ય પૂર્વના યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો થયો છે. ધ ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, ઈરાનના નવા નિમણૂક પામેલા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ હાલ બેભાન અવસ્થામાં છે અને તેમની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ જે હુમલામાં તેમના પિતા આયાતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું હતું, તે જ હુમલામાં મોજતબા પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

યુએસ-ઇઝરાયેલ ઇન્ટેલિજન્સ દ્વારા ખાડી દેશો સાથે શેર કરવામાં આવેલી ડિપ્લોમેટિક મેમો અનુસાર, 56 વર્ષીય શિયા મૌલવી મોજતબા ખામેનેઈ હાલમાં તેહરાનથી 87 માઈલ દૂર આવેલા પવિત્ર શહેર કુમની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મેમોમાં જણાવ્યા મુજબ મોજતબા ખામેનેઈ કુમમાં ગંભીર હાલતમાં છે અને તેઓ શાસન દ્વારા લેવામાં આવતા કોઈપણ નિર્ણયમાં સામેલ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. આ પ્રથમ વખત છે જ્યારે સુપ્રીમ લીડરનું ચોક્કસ લોકેશન જાહેર થયું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ માહિતી પહેલાથી જ હતી, પરંતુ તે અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી હતી.

સત્તા સંભાળ્યા પછી મોજતબા ખામેનેઈ અત્યાર સુધી એક પણ વાર જાહેરમાં દેખાયા નથી. જેના કારણે તેમના જીવિત હોવા અંગે અનેક અટકળો વહેતી થઈ હતી. એવી પણ અફવા હતી કે, તે જ હુમલામાં તેમનું પણ મૃત્યુ થયું છે. જોકે, ઈરાની અધિકારીઓએ વારંવાર દાવો કર્યો છે કે, મોજતબા ઈરાનનું સુકાન સંભાળી રહ્યા છે અને પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે. જો મોજતબા ખામેનેઈ ખરેખર બેભાન હોય, તો ઈરાનમાં સત્તાનો દોર કોના હાથમાં છે તે એક મોટો પ્રશ્ન છે. પ્રથમ વખત મોજતબા ખામેનેઈનું લોકેશન (કુમ શહેર) બહાર આવ્યું છે. 28 ફેબ્રુઆરીના હવાઈ હુમલામાં પિતા સાથે પુત્ર પણ ઈજાગ્રસ્ત થયા હોવાનો દાવો સાચો ઠર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *