બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ ભભૂકી, ઇઝરાયલ પર મિસાઇલો દાગી
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન પૂરું થતાની સાથે જ ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂૂ કરી દીધા છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે જંગ હાલમાં થંભવાની નથી, પરંતુ વધુ તેજ બની શકે છે. ઇરાને આ સાથે બહેરીનમાં અમેરિકી કંપની એમેઝોનના ડેટા સેન્ટર પર હુમલો કરતા ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ સીવાય માઇર્ક્રેસોફટ અને ગુગલ પણ ઇરાનના નિશાના પર છે.
ઈઝરાયેલી સેના (IDF) ના જણાવ્યા અનુસાર, ટ્રમ્પનું ભાષણ પૂર્ણ થતાની સાથે જ ઈરાન તરફથી અનેક મિસાઈલો છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે, “ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે અને હુમલાને રોકવા માટે ઇન્ટરસેપ્શન ચાલુ છે.” આ સાથે જ ઈઝરાયલના મધ્ય અને ઉત્તરી વિસ્તારોમાં એર ડિફેન્સ સાયરન ગુંજી ઉઠ્યા હતા.
નોંધનીય છે કે, ટ્રમ્પે પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સૈન્ય તાકાતને લગભગ ખતમ કરી દીધી છે. તેમણે ચેતવણી આપી હતી કે, “અમે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેમને અત્યંત આકરો જવાબ આપીશું અને તેમને પાષાણ યુગમાં પાછા મોકલી દઈશું.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઈરાનની નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. પરંતુ, ટ્રમ્પના આ દાવાઓની થોડી જ મિનિટો બાદ થયેલા મિસાઈલ હુમલાઓ દર્શાવે છે કે જમીની હકીકત અલગ છે. ઈરાન હજુ પણ ઈઝરાયેલના ઠેકાણાઓ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, જે અમેરિકી દાવાઓ સામે સવાલો ઉભા કરે છે.
