પ્રથમ તબક્કો ફેબ્રુઆરીના અંત સુધીમાં અને બીજો તબક્કો માર્ચના મધ્ય ભાગમાં જાહેર થશે, વિધાનસભાની ચૂંટણીઓના કારણે ફેરફાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન માટે એક વ્યૂહાત્મક નિર્ણય લેવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માર્ચ 26 થી મે 31 દરમિયાન યોજાનારી આ મેગા ઇવેન્ટનું સમયપત્રક બે અલગ અલગ તબક્કામાં જાહેર કરવામાં આવશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામ જેવા મહત્વના રાજ્યોમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓ છે.
ભારતમાં જ્યારે પણ સામાન્ય કે વિધાનસભા ચૂંટણીઓ યોજાય છે, ત્યારે પોલીસ દળ અને સુરક્ષા એજન્સીઓનું સંપૂર્ણ ધ્યાન મતદાન મથકો અને કાયદો વ્યવસ્થા જાળવવા પર હોય છે. વર્ષ 2026 માં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં ચૂંટણી પ્રક્રિયા ચાલવાની છે. આ પરિસ્થિતિમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ અને ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ જેવા હાઈ પ્રોફાઈલ વેન્યુ પર હજારો પ્રેક્ષકોની સુરક્ષા માટે વધારાનું પોલીસ બળ ફાળવવું વહીવટીતંત્ર માટે અશક્ય બની શકે છે.
BCCI ની યોજના મુજબ, પ્રથમ 2 થી 3 અઠવાડિયાનું શેડ્યૂલ એવા રાજ્યો માટે જાહેર કરવામાં આવશે જ્યાં ચૂંટણીનો માહોલ નથી. એકવાર ચૂંટણી પંચ દ્વારા મતદાનની સચોટ તારીખો જાહેર કરવામાં આવે, ત્યારબાદ બાકીની મેચોનું આયોજન સુરક્ષિત રીતે કરવામાં આવશે. પ્રથમ તબક્કો: ફેબ્રુઆરીના અંત સુધીમાં આશરે 20 થી 25 મેચોની જાહેરાત થઈ શકે છે. બીજો તબક્કો: માર્ચના મધ્ય ભાગમાં, ચૂંટણીની તારીખો સ્પષ્ટ થયા બાદ બાકીની મેચોનું લિસ્ટ બહાર પાડવામાં આવશે.
આ વખતે પડકાર માત્ર ચૂંટણીનો જ નથી. ટી-20 વર્લ્ડ કપ 2026 ના સમાપન બાદ તુરંત જ આઇપીએલ શરૂૂ થઈ રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ પાસે ચેપોક અને ઈડન ગાર્ડન્સ જેવા મેદાનોને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરની લીગ માટે તૈયાર કરવા માટે ઘણો ઓછો સમય હશે. સામાન્ય રીતે, જ્યારે કોલકાતામાં સમસ્યા હોય ત્યારે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમનો વિકલ્પ તરીકે ઉપયોગ થાય છે, પરંતુ આ વર્ષે આસામમાં પણ ચૂંટણી હોવાથી BCCI એ કોઈ નવો ’પ્લાન બી’ તૈયાર કરવો પડશે.
