સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો, સ્થાનિક રાજકારણમાં ગરમાવો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી ભાવેશ બોરડે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રાજુ ડાંગર સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સુલતાનપુરમાં ’ઘરે ઘરે ઝંડા અને પત્રિકા વિતરણ’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભાવેશ બોરડ ગામના એક આઈસ્ક્રીમ પાર્લર પર બેઠા હતા ત્યારે રાજુ ડાંગર ત્યાં પહોંચ્યા હતા. બોરડનો આક્ષેપ છે કે ડાંગરે તેમને જાહેરમાં ગાળો આપી માથાના ભાગે માર માર્યો હતો, જેમાં તેમના શર્ટના બટન પણ તૂટી ગયા હતા.વાઈરલ વીડિયોમાં ભાવેશ બોરડે જણાવ્યું કે, રાજુ ડાંગરે તેમને ધમકી આપી હતી કે જો તેમની પત્ની પંચાયત સભ્ય પદેથી રાજીનામું નહીં આપે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. બોરડના જણાવ્યા અનુસાર ડાંગરે એવું પણ કહ્યું હતું કે, સુલતાનપુરમાં મારું જ વર્ચસ્વ રહેશે, જો પક્ષને 500 મતોનું નુકસાન થાય તો પણ તારા જેવા કાર્યકરની પક્ષમાં કોઈ જરૂૂર નથી.
રાજુ ડાંગરે આગામી સમયમાં મોવિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.
આ બાબતને ટાંકીને બોરડે પક્ષના હાઈકમાન્ડ સમક્ષ સવાલ ઉઠાવ્યો છે કે, જે વ્યક્તિ પોતાના જ ગામના નાના કાર્યકરોને દબાવતા હોય અને હિંસા પર ઉતરી આવતા હોય, તેમને ટિકિટ આપવી કેટલી યોગ્ય ગણાય? ભાજપ હંમેશા શિસ્તબદ્ધ પક્ષ હોવાનો દાવો કરે છે, પરંતુ જિલ્લા કક્ષાના હોદ્દેદાર સામે પક્ષના જ પાયાના કાર્યકર દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપોએ સંગઠન માટે મુશ્કેલ સ્થિતિ સર્જી છે. હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ સંગઠન આ મામલે શિસ્તભંગના પગલાં લે છે, કે પછી અગ્રણીઓ વચ્ચે સમજૂતી કરાવી મામલો થાળે પાડે છે. આ વિવાદની અસર આગામી ચૂંટણી અને મતદારોના માનસ પર પણ પડી શકે તેવી શક્યતા છે.
