કોઇને વહેમ અને ફાંકો હોય તો કાઢી નાખે, તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે: જીજ્ઞેશ મેવાણી
આવા બફાટ કરીને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઇ છે: કિરીટ પટેલ
પાટણમાં કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચેના વિવાદે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગઇકાલે પાટણમાં એક કાર્યક્રમમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, વહેમ અને ફાંકો હોય તો કાઢી નાખે. તારા જેવા ફૂદાનું ચણુય નહીં આવે. જેના જવાબમાં કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ વળતો પ્રહાર કરી જણાવ્યુ હતું કે, તેને આવા બફાટ કરીને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઇ છે. આવું ગમે તેના વિશે બોલવું યોગ્ય નથી. જ્યારે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, સાથે મળીને વાતચીત કરી ઉકેલ લાવીશું.
પાટણમાં આયોજીત એક કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપસ્થિત રહ્યાં હતા. જે દરમિયાન તેમણે પાટણના ધારાસભ્યનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, જો કોઇના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું એવો વહેમ હોય તો કાઢી નાંખે. અમે સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ચણાનું ફૂદુય નહીં આવે. જીગ્નેશ મેવાણી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યા બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
જીગ્નેશ મેવાણીએ કરેલા નિવદેનનો વળતો જવાબ આપતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું છેકે, મને ટેલિફોનિક જાણકારી મળી હતી કે મારા વિશે કેટલાક લોકોએ નિવેદનો કર્યા છે. જે દિવસે પાટણ માટે મેઘમાયાજીના પીવાના પાણી માટેના બલિદાન અને સામાજિક સમરસતાના ઉત્કૃષ્ટ ઉદાહરણને યાદ કરીને ગૌરવવંતો દિવસ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે આવા પવિત્ર પ્રસંગે રાજકીય બફાટ કરવો તે યોગ્ય નથી.
કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ હાજર હોવા છતાં કોઈએ આવા નિવેદનો કર્યા નહોતા. મને એવું લાગે છેકે જે પ્રકારે નિવેદનો થયા છે, એ એટલા માટે થયા છેકે, ઘણા લોકોને મીડિયામાં આવા બફાટ કરી ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઇ છે.
બે ધારાસભ્યો વચ્ચેના આ જાહેર ઝઘડા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે બંને ધારાસભ્યો વચ્ચે માત્ર ગેરસમજ ઊભી થઈ છે અને પક્ષની નેતાગીરી મધ્યસ્થી કરીને, સાથે બેસીને આ ગેરસમજ દૂર કરશે.
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના જ ધારાસભ્ય કીરીટ પટેલને પડકાર આપતા જણાવ્યુ હતુ કે, તેમને એટલો બધો ફાંકો હોય તો ભાજપ સરકારે સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાપી નાખ્યુ ત્યાં જઇને ઉંધો પડ એટલે ખબર પડે. મેવાણીએ સરદાર વલ્લભભાઇ પટેલ માટે વલ્લભ પટેલ જેવી તોછડી ભાષાનો ઉપયોગ કરતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રવકતા મનહર પટેલે આ અંગે ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકને લેખિત ફરિયાદ કરી છે અને જીજ્ઞેશ મેવાણીની ભાષા સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યુ છે કે, સરદાર સાહેબ માત્ર પટેલ સમુદાય નહીં પણ તમામ સમાજ માટે આદરણીય મહાનુભાવ છે ત્યારે કોઇ પણ વ્યક્તિને આવી બેવકુફી ભરી ભાષા વાપરવાનો અધિકાર નથી. આવા નેતાઓની જબાન ઉપર લગામ નાખવી જરૂરી છે.
