સમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે અમલમાં મુકાયેલી વ્યાજમાફી યોજનામાં ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકોને થતા અન્યાયનો આખરે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી મિલકત…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે અમલમાં મુકાયેલી વ્યાજમાફી યોજનામાં ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકોને થતા અન્યાયનો આખરે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી મિલકત વેરો અને પાણી વેરો બાકી હોય તેવા આસામીઓને રૂૂ. પાંચ-પાંચ હજાર મળીને કુલ રૂૂ. 10 હજાર સુધીની વ્યાજમાફી આપવાની યોજનાની મુદત અગાઉ 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવી હતી. જોકે, મોટાભાગના એપાર્ટમેન્ટ્સમાં વ્યક્તિગત નળ કનેક્શનને બદલે કોમન સંપ કનેક્શન હોવાથી ફ્લેટ ધારકોને સામાન્ય ઘર જેટલો જ સામાન્ય લાભ મળતો હતો.

આ અંગે વ્યાપક અન્યાય થતો હોવાની રજૂઆતો મેયર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નીતિવિષયક સુધારો કરીને સંપ કનેક્શન ધરાવતા ફ્લેટ્સ માટે ફ્લેટની સંખ્યા અને કનેક્શનના કદ મુજબ રૂૂ. 5 હજારથી લઈને મહત્તમ રૂૂ. 3.75 લાખ સુધીની માતબર વ્યાજમાફી આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. કરદાતાઓને આગામી 31 ડિસેમ્બર સુધી આ વિશેષ રાહતનો લાભ મળશે.

મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલા નવા માળખા અનુસાર, ફ્લેટની સંખ્યા અને પાઈપ કનેક્શનના માપના આધારે અલગ-અલગ સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં 4 થી 6 ફ્લેટ ધરાવતા અને એક ઇંચનું જોડાણ ધરાવતા સંકુલોને રૂૂ. 30,000 સુધીની વ્યાજમાફી મળશે. જ્યારે 7 થી 13 ફ્લેટ અને દોઢ ઇંચના કનેક્શન પર રૂૂ. 65,000, 14 થી 20 ફ્લેટ અને બે ઇંચના કનેક્શન માટે રૂૂ. 1,00,000 તથા 21 થી 30 ફ્લેટ અને અઢી ઇંચના જોડાણ પર રૂૂ. 1,50,000 સુધીનું વ્યાજ માફ કરવામાં આવશે.

આ ઉપરાંત મોટા રહેણાંક સંકુલોમાં 31 થી 45 ફ્લેટ અને ત્રણ ઇંચના જોડાણ પર રૂૂ. 2,25,000 તેમજ 46 થી 75 ફ્લેટ ધરાવતા અને ચાર ઇંચનું મોટું સંપ કનેક્શન ધરાવતા બિલ્ડિંગોને મહત્તમ રૂૂ. 3,75,000 સુધીની વ્યાજમાફીનો સીધો ફાયદો મળશે. મનપાના આ નિર્ણયથી શહેરના હજારો ફ્લેટ ધારકો અને રેસિડેન્શિયલ સોસાયટીઓને મોટી આર્થિક રાહત મળશે અને તંત્રને પણ જૂના બાકી લેણાં પેટે કરોડો રૂૂપિયાની આવક ઝડપથી પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *