મનપામાં એન્ટ્રી ન હોય તેવી મિલકતોને વેરાબિલમાં વ્યાજ મુક્તિ

કાર્પેટ એરિયા સરવેમાં એજન્સીએ ધાંધિયા કરતા અનેક મિલકતોને આજ સુધી વેરાબિલ મળ્યું નથી તંત્રના 18 ટકા વ્યાજના ડરથી અરજદારોએ વેરાબિલ લેવાનું માંડી વાળતા મનપાને કરોડોની…

કાર્પેટ એરિયા સરવેમાં એજન્સીએ ધાંધિયા કરતા અનેક મિલકતોને આજ સુધી વેરાબિલ મળ્યું નથી

તંત્રના 18 ટકા વ્યાજના ડરથી અરજદારોએ વેરાબિલ લેવાનું માંડી વાળતા મનપાને કરોડોની નુકસાની

મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલ્કતવેરામાંથી થઈ રહી છે છતાં તંત્ર દ્વારા આ વિભાગની કામગીરી ઉપર પુરતુ ધ્યાન ન આપી સ્ટાફ પણ ઓછો ફાળવવામાં આવ્યો છે. જેના લીધે બાકીદારો વિરુદ્ધ કામગીરી થઈ શકી નથી. જેની સામે વર્ષો જૂના બાંધકામો કે જેની વેરાવિભાગમાં એન્ટ્રી ન થઈ હોય તેવી મિલ્કતો નો આજે પણ વર્ષોથી વેરો બાકી રહી ગયો છે. અરજદારો મહાનગરપાલિકાના તોતીંગ વ્યાજના દરે મિલ્કતવેરાની આકરણી કરાવતા નથી. આથી તંત્ર દ્વારા હવે ફોડ પાડવામાં આવ્યો છે કે, વર્ષો જૂની મિલ્કતો કે જેની નોંધણી વેરાવિભાગમાં ન થઈ હોય અને અગાઉ પણ વેરાબીલ ન મળ્યું હોય તેવા મિલ્કતધારકોને આજ સુધીના વેરાની રકમમમાં વ્યાજ ભરવું નહીં પડે.

મનપા દ્વારા અગાઉ મનઘડત રીતે મિલ્કતવેરો લેવામાં આવતો હતો. 2011થી મહાપાલિકાએ કાર્પેટ એરિયા આધારિત મિલ્કતવેરા પદ્ધતિ અમલમાં મુકી છે. તે સમયે શહેરની 4.70 લાખથી વધુ મિલ્કતોનું સર્વે કરવા માટે પ્રાઈવેટ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. ેતમના દ્વારા ડોર ટુ ડોર મિલ્કતની કાર્પેટ એરિયા આધારિત માપણી કરી તેની એન્ટ્રી કરવામાં આવી હતી. પરંતુ તે સમયે એજન્સી દ્વારા અનેક કૌભાંડો થયા હોવાનું બહાર આવેલ એજન્સીએ પણ અમુક વિસ્તારોમાં બંધ મિલ્કતોને બાકાત રાખી દીધી હતી. જેના લીધે આ મિલ્કતોના માલીકોએ ચડત વેરો ભરપાઈ કરવામાં મોટુ વ્યાજ ભરવું પડશે તેવા ડરથી આજ સુધી વેરાબીલ કઢાવવાની કસ્દી લીધી ન હતી. પરિણામે મહાનગરપાલિકાને દર વર્ષે કરોડો રૂપિયાનો ડામ સહન કરવો પડે છે.

નિયમ મુજબ મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા કોઈ પણ મિલ્કતની આકરણી ન થઈ હોય અને આ મિલ્કત વેરાવિભાગના ચોપડે ન ચડી હોય તો આ મિલ્કતની જ્યારે આકરણી થાય ત્યારે ફક્ત બાકી રહેલ મિલ્કતવેરો ભરપાઈ કરવાનો હોય છે. વ્યાજ લાગતુ હતું છતાં આ નિયમની જાણકારી લોકોને ન હોવાથી આજે અનેક મિલ્કતોની વેરાવિભાગમાં નોંધણી થઈ શકી નથી.

મનપાના વેરાવિભાગના જણાવ્યા મુજબ અગાઉ મિલ્કતવેરાના અલગ અલગ નિયમો હતા પરંતુ 2011થી કાર્પેટ આધારીત વેરા પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. છતાં વર્ષો જૂની મિલ્કતો હોય અને મનપાના વેરાવિભાગમાં આ મિલ્કતનો કોઈ જાતનો ઉલ્લેખ ન હોય ત્યારે આ મિલ્કત ધારક મિલ્કતવેરા બિલ માટે કોર્પોરેશનમાં અરજી કરી શકે છે. જેથી વેરાવિભાગ કાર્પેટ એરિયાનો નિયમ લાગુ પડ્યો ત્યાં સુધીનું નવા નિયમ મુજબનું અને બાકીના વર્ષોનું લમછમ બીલ બનાવી અરજદારને આપશે તેમાં વ્યાજ લગાડવામાં નહીં આવે.

સુસુપ્ત અવસ્થા વાળી મિલકતોને લાભ નહીં
મનપાએ વર્ષો જૂની મિલ્કતો કે જેની એન્ટ્રી વેરાવિભાગમાં ન થઈ હોય તેવી મિલ્કતોને વેરાવિભાગમાં વ્યાજ નહીં લાગે તેમ જણાવ્યું છે અને સાથો સાથ સુસુપ્ત અવસ્થા વાળી મિલ્કતોને આ લાભ નહીં મળે તેમ પણ જણાવ્યું છે. વેરાવિભાગના જણાવ્યા મુજબ કોઈ મિલ્કતની વર્ષો પહેલા વેરાવિભાગમાં એન્ટ્રી થઈ હોય અને ત્યાર બાદ આ મિલ્કતની કાર્પેટ એરિયા મુજબ માપણી ન થઈ હોય અને વેરાબીલ ન મળતું હોય તેવી મિલ્કતોને સુસુપ્ત અવસ્તામાં મળી જૂની એન્ટ્રી મુજબ મિલ્કતવેરો અને વ્યાજ પણ ભરવું પડશે.

જૂની એન્ટ્રી રદ કરવાનું કારસ્તાન
વેરાવિભાગે વર્ષો પહેલા મનપામાં મિલ્કતવેરાની એન્ટ્રી થઈ હોય ત્યાર બાદ વેરાબીલ ન મળતું હોય અને 2011માં થયેલ કાર્પેટ એરિયા આધારિત માપણીમાં આ મિલ્કતને આવરી લેવામાં ન આવી હોય તેવી જૂની એન્ટ્રી થયેલી મિલ્કતોને વ્યાજ માફીમાંથી મુક્તિ નથી આપી પરંતુ આ પ્રકારની એન્ટ્રીઓ મેન્યુઅલી કરવામાં આવેલ હોય વેરાવિભાગે આ પ્રકારની એન્ટ્રીઓ રદ કરાવી નવો વેરો મિલ્કતનો કઢાવવામાં આવેતેવા બનાવો પણ બની શકે છે તેમ જણાવતા હવે જૂની એન્ટ્રી રદ કરવાનું પણ કારસ્તાન થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *