થર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગ

રેલવે પાર્કિંગ અને યાર્ડ વિસ્તારમાંથી 36 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પ્યાસીઓ તેમની પ્યાસ બુજાવવા માટે અધીરા…

રેલવે પાર્કિંગ અને યાર્ડ વિસ્તારમાંથી 36 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પ્યાસીઓ તેમની પ્યાસ બુજાવવા માટે અધીરા બન્યા છે ત્યારે બુટલેગરો પણ અવનવા નુસ્ખા કરી દારૂની હેરાફેરી ચાલુ કરી છે ત્યારે પોલીસે પણ દારૂની હેરાફેરી અટકાવવા કમર કસી લીધી હોય તેમ દરોડાનો દૌર શરૂ કર્યો છે. રાજકોટ રેલવે પોલીસે પણ રેલવેમાં થતી દારૂની હેરાફેરી અટકાવવા સઘન ચેકીંગ હાથ ધર્યુ છે. જેના ભાગરૂપે રાજકોટ રેલવે એલસીબી દ્વારા રેલવે સ્ટેશન ઉપર સઘન ચેકીંગ હાથ ધરી રેલવે પાર્કીંગ અને યાર્ડ વિસ્તારમાંથી 36 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રેલવે પોલીસના અધિક પોલીસ મહાનિર્દેશક પરીક્ષીતા રાઠોડની સુચનાથી પશ્ર્ચિમ રેલવે અમદાવાદનાં એલસીબી પીઆઈ જે.આર.દેસાઈના સુપર વિઝન હેઠળ રાજકોટ એલસીબી પીએસઆઈ જે.એમ.પરમાર સહિતનાં સ્ટાફે થર્ટીફર્સ્ટ અને નાતાલના તહેવારને લઈ રેલવેમાં દારૂની હેરાફેરી અટકાવવા રેલવે સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધર્યુ હતું અને રાજકોટ રેલવે સ્ટેશન ખાતે આંતરરાજ્યની ટ્રેનો ઉપર હાજર રહી ટ્રેનોમાં વોચ ગોઠવી હતી. દરમિયાન રેલવે પાર્કીંગ વિસ્તાર અને યાર્ડ વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં.

જેમાં રેલવે સ્ટેશન પાર્કીંગ વિસ્તારમાં પાર્સલ ઓફિસ પાસેથી પ્રિન્સ જગબીર કશ્યપ (રહે.હરિયાણા)ને ઝડપી લઈ તેની પાસેથી દારૂની અલગ અલગ કંપનીની બોટલ ન.18 કિ.રૂા.19086 મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે બીજા બનાવમાં રેલવે સ્ટેશન પાર્કીંગ વિસ્તારમાં ટુ વ્હીલ પાર્કીંગ પાસેથી નેપાળસિંહ ઉદયસિંહ પવાર (રહે.બિલીયાવાસ, રાજસ્થાન)ને ઝડપી લઈ તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નં.18 કિ.રૂા.20267 મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી રેલવે પીએસઆઈ જે.એમ.પરમાર, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ, ભુપતભાઈ અને જયેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *