વેસ્ટ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી જામનગર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
રાષ્ટ્ર વિરોધી, ગેરકાયદેસર, અસામાજિક, આતંકવાદી તથા દેશદ્રોહી પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા જામનગર જિલ્લાના એરફોર્સ રેન્જ, સરમત, રસૂલનગર, સિક્કા જેટી અને સોલ્ટ ગેટ સહિતના દરિયાઈ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ધરમવીર આર. યાદવ, પો.સ.ઈ. જી.એમ. બોપલિયા, પો.સ.ઈ. ડી.એચ. જાડેજા અને મરીન કમાન્ડોની ટીમ દ્વારા તા. 12/05/2026ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ, ફિશિંગ સેન્ટર, વાઈટલ એરિયા તથા અવાવરૂૂ જગ્યાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગરના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા અને સતર્કતા જાળવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આવનારા સમયમાં પણ આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેમ જાણવા મળે છે.
