સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં હાલ ભાદરવા મહિનાની આકરી તડકી અને અસહ્ય બફારાએ નાગરિકોને પરસેવે રેબઝેબ કરી દીધા છે. ચોમાસાના વિરામ બાદ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો આકરો તાપ પડી રહ્યો છે. સવારથી જ શરૂૂ થતા તડકા અને વાતાવરણમાં વધેલા ભેજના ઊંચા પ્રમાણને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે રસ્તાઓ પર કુદરતી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઘરો અને ઓફિસોમાં પંખા કે એસી પણ રાહત આપવામાં ટૂંકા પડી રહ્યા છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વરસાદે વિરામ લેતાં જમીનમાં રહેલો ભેજ અને સૂર્યના સીધા કિરણોને કારણે વાતાવરણમાં અસહ્ય ગરમી અને બફારો સર્જાયો છે. મહત્તમ તાપમાનમાં થયેલા વધારા સાથે ભેજનું પ્રમાણ ઊંચું રહેતાં લોકો શરીર ચીકાશ અને પરસેવાથી હેરાન-પરેશાન થઈ ગયા છે. બપોરના સમયે લૂ જેવા પવનો ફંકાતા હોવાથી લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણી જેવા ઠંડા પીણાં તરફ વળી રહ્યા છે.
આકરી ગરમી અને ઋતુ બદલાવના કારણે શહેરમાં રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ, ડિહાઇડ્રેશન અને ચામડીના ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બપોરના તડકામાં બિનજરૂૂરી બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં વરસાદી ઝાપટું ન પડે ત્યાં સુધી આ બફારામાંથી રાજકોટવાસીઓને રાહત મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાંથી સવા મહિનાથી મેઘરાજા ગાયબ થઇ ગયા છે. લોકો અને ખેડૂતો સારા વરસાદની ચાતકડોળે રાહ જોઇ રહ્યા છે. પરંતુ વરસાદના બદલે આકરી લૂ વરસી રહી હોવાથી લોકો અકળાઇ ઉઠયા છે.
