કંકાલને રાજકોટ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે
ધ્રાંગધ્રા પંથકમાં વધુ એક માનવ કંકાલ મળતા ચકચાર મચી ગઈ છે. ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાંથી ગુરુવારે સાંજે એક માનવ કંકાલ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ગામથી આશરે ચાર કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં કંકાલ દેખાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થળ પરથી માનવ કંકાલ ઉપરાંત ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ તેમજ તમાકુનું પેકેટ મળી આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં કંકાલ 30થી 35 વર્ષીય યુવાનનો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એન.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, કંકાલ નજીકથી મળી આવેલ તમાકુ અન્ય રાજ્યની પ્રોડક્ટ હોવાનું જણાઈ આવ્યું છે, જેના આધારે મૃતક અન્ય રાજ્યનો હોવાની સંભાવના છે.
પોલીસે હાલ સમગ્ર મામલે જાણવા જોગ નોંધ કરી વધુ તપાસ તેજ કરી છે. માનવ કંકાલને વધુ વૈજ્ઞાનિક તપાસ અને ઓળખ માટે રાજકોટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યો છે.ફોરેન્સિક રિપોર્ટ બાદ જ મૃત્યુ અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગે પણ માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી શરૂૂ કરી છે.
