આશરો આપનારના પણ ખરાબ હાલ થશે, બંગાળથી બોગસ ડોક્યુમેન્ટના આધારે આવેલા લોકોની ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ,સ્લીપરસેલ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવણી: હર્ષ સંઘવી
અમદાવાદ-સુરતમાંથી 1000થી વધુ ઘુસણખોરોની અટકાયત, ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટુ ઓપરેશન, ગુજરાતના ખૂણેખૂણેથી શોધી બાંગ્લાદેશ મોકલવા તૈયારી
કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓના હત્યાકાંડ બાદ ગુજરાત સરકાર આક્રમક એક્શનમાં આવી છે. અને ગતરાતથી ગુજરાતભરમાં વસતા બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી શોધીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરતા ઘુસણખોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આજે બપોર સુધી અમદાવાદ-સુરતમાંથી જ પોલીસે એક હજારથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેના આધાર-પુરાવાની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
બીજી તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે, આવા લોકોને આશરો આપનારાના પણ ખરાબ હાલ થશે. સુરત સી.પી.ઓફિસથી આજે સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ બેઠક યોજી હતી. રાજ્યના આઈજી, પોલીસ કમિશનર, અધિકારીઓ સાથે ગૃહ મંત્રીની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં બાંગ્લાદેશી પરની કાર્યવાહી મામલે બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ હર્ષ સંઘવીએ મીડિયા જણાવ્યું કે, ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. બંગાળથી ગેરકાયદે ફેક ડોક્યુમેન્ટના આધારે આ બાંગ્લાદેશીઓ અહીં આવ્યા હતા. કેટલાક લોકો ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ તથા અલ કાયદાના સ્લીપર સેલ સાથે જોડાયેલા છે. જો સામેથી ચાલી પોલીસ સ્ટેશન જાઓ નહિ તો ગુજરાત પોલીસ તમામ લોકો પર “નાતો ભૂતો ન ભવિષ્યતી” જેવા પગલાં લેવા તૈયાર છે. આજે સાંજ સુધી તમામ લોકોને મોકલવાનું શરૂૂ છે. અમદાવાદ અને સુરત પોલીસને અભિનંદન આપું છું. ખૂણા ખૂણામાં શોધીને બાંગ્લાદેશીઓને બહાર કાઢ્યા છે. આવનારા બે દિવસમાં તમામ લોકો સરેન્ડર કરે. નહિ તો પોલીસ ડિપોર્ટ માટેની કામગીરીમાં જોડાશે.
હર્ષ સંઘવીએ ચેતવણી આપી કે, ઘૂસણખોરોને આશરો આપનારના હાલ પણ ખૂબ જ ખરાબ થશે. બંગાળના ફેક ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ જગ્યાએ તપાસ કરાશે. બંગાળના સૌથી વધુ ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા છે. બંગાળથી કઈ રીતે ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા એ પણ અમે મુકીશું.
પશ્ર્ચિમ બંગાળમાં નકલી ડોકયુમેન્ટનું એ.પી. સેન્ટર
પશ્ચિમ બંગાળનું તંત્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂૂપ બની રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં ફર્જી દસ્તાવેજો બનાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ઘુસીને આવતા ઘુસણખોરોને ભારતીય નાગરિક બતાવવા માટે તેમના બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનો ધંધો ચાલી રહ્યો છે. પશ્ચિમ બંગાળ ફર્જી દસ્તાવેજો બનાવવા માટેનું એપિસેન્ટર બની ગયું છે. અમદાવાદ અને સુરત પોલીસે મોડી રાતે ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવી હતી અને તમામની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં તેમની સઘન પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં જાણવા મળ્યું છે કે, તેઓ બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા છે. આ ઉપરાંત તેમના ભારતીય હોવાના પુરાવા પણ પશ્ચિમ બંગાળમાં બન્યા હોવાનું સ્વીકાર્યું છે આ મામલે ગુજરાત સરકાર રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલશે. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરતમાંથી 1022 જેટલા ગેરકાયદેસર ઘુસેલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે .
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બહાર ઘર્ષણ, વાતાવરણ તંગ
અમદાવાદ પોલીસે ગેરકાયદે વસવાટ કરનાર પર સ્ટ્રાઈક કરીને આજે 890 જેટલા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ડિટેઇન કરાયેલા વ્યક્તિઓનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિટેઇન કરાયેલા વ્યક્તિઓ પાસેના પુરાવાઓની ચકાસણી દરમિયાન પોલીસ અને બાંગ્લાદેશી મહિલાઓ વચ્ચે વિવાદ વિરોધ સર્જાતા ઘર્ષણ સર્જાઇ હતું. પુરાવાઓ કેવી રીતે અને કોની પાસેથી બનાવ્યા એની તપાસ થશે. કેટલાક બાંગ્લાદેશીઓ પાસે દસ્તાવેજી પુરાવા ન હોવાના કારણે ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશન કરાવવા માટે સાયબર ક્રાઇમ ઓફિસ લઈ જવામાં આવ્યા છે. જો કે વેરિફિકેશન દરમિયાન બોલાચાલી બાદ બાંગ્લાદેશી મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉલ્લેખનિય છે કે,પહલગામ નિર્દોષના લોહીથી રકતરંજિત થયા બાદ રાજ્યની પોલીસ પણ એકશન મોડમાં છે. ગત રાત્રે સુરત અને અમદાવાદમાં ઓપરેશન હાથ ધરીને ગેરકાયદે ગુજરાતમાં વસતા કુલ 990થી વધુ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યાં છે.
